આવેશમાં આવીને આસામને જુદું કરવાનું બોલી ગયો હતોઃ શર્જિલ ઈમામ
નવી દિલ્હી, દેશદ્રોહના આરોપ બદલ પકડાયેલા જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી શર્જિલ ઇમામે દિલ્હી પોલીસની પૂછપરછમાં એવો એકરાર કર્યો હતો કે આવેશમાં આવી જઇને મેં આસામને દેશથી વિખૂટું પાડી દેવાનું કહ્યું હતું. તેણે એવો પણ એકરાર કર્યો હતો કે એ વિડિયો ક્લીપ મારીજ છે, એમાં કોઇ ચેડાં કરવામાં આવ્યાં નથી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટમાં મેં આવું વિધાન કર્યું હતું. એક કલાકના મારા ભાષણ દરમિયાન આવેશમાં આવી જઇને મેં ઇશાનનાં રાજ્યોને દેશથી વિખૂટાં પાડી દેવાનું વિધાન કર્યું હતું.
૨૫મી જાન્યુઆરીએ ફુલવારી શરીફમાં સીએએ વિરોધી ચાલી રહેલા દેખાવોમાં ભાષણ કરવા શર્જિલ ગયો હતો. પોતાની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે એવી જાણ થતાંજ મોબાઇલ ફોન બંધ કરીને એ બિહારના જેહાનાબાદ જિલ્લાના કાકો વિસ્તારમાં પોતાના પૈતૃક ઘર નજીક પહોંચી ગયો હતો. જો કે એની તલાશમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ૨૫મી જાન્યુઆરીએજ બિહાર પહોંચ્યા હતા અને બિહાર પોલીસની મદદથી શર્જિલને કાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. એની સામે ઓછામાં ઓછાં પાંચથી છ રાજ્યોમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. કોકામાં એને ઝડપી લીધા બાદ એને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો.
બુધવારે સવારે એને પટણાથી નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો અને દિલ્હી પોલીસના બાહોશ અધિકારીઓએ એની આકરી પૂછપરછ શરૂ કરી હતી. એ દરમિયાન, એણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. પોલીસે કહ્યું હતું કે કાકોમાં એ તાજિયા બને છે એ ઇમામવાડામાં છૂપાયો હતો. ઇમામવાડામાં જઇને એને પકડવામાં મુશ્કેલી પડી હોત એટલે પોલીસે એના મિત્રોની મદદથી એને બહાર બોલાવ્યો હતો અને જેવો એ બહાર આવ્યો કે તરત એને ઝડપી લીધો હતો.