સીએએ: અમુક મુસ્લિમ પોતાના જ સમાજમાં ડર ફેલાવી રહ્યા છે: મોહન ભાગવત
નાગપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે અમુક મુસ્લિમ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિશે પોતાના સમાજમાં જ ડર પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ કાયદાથી ડરવાની કોઈ જરૂર નથી. આ ડર અને ભ્રમને દૂર કરવા માટે મુસ્લિમ સમાજના શિક્ષિત અને બુદ્ધિજીવી લોકોએ આગળ આવવુ જોઈએ.
મોહન ભાગવતે કહ્યુ, ભારતમાં શિક્ષિત અને બુદ્ધિજીવી મુસ્લિમ લોકોએ આગળ આવવુ જોઈએ અને આ ડરને દૂર કરવો જોઈએ. હિંદુ અને મુસ્લિમ બંને આ દેશના નાગરિક છે અને તેમના (મુસ્લિમ) આ કાયદાથી ડરવા પાછળનુ કોઈ કારણ નથી. ભાગવતે આ વાત સંઘના કાર્યકર્તાઓ સાથે થયેલી બેઠકમાં કહી છે.
આરએસએસ પ્રમુખે પોતાના કાર્યકર્તાઓને પોતાની આવકનો એક ભાગ સામાજિક કલ્યાણના કાર્યો પર ખર્ચ કરવા માટે પણ કહ્યુ છે. તેમણે કહ્યુ કે જાતિ અને વર્ગ વિભાજન ભારતીય સમાજ માટે એક અભિશાપ રહ્યો છે અને સામાજિક સમાનતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે. ભાગવતે પોતાના કાર્યકર્તાઓને એ પણ કહ્યુ કે અહંકારને દૂર કરીને સંગઠનના વિસ્તારમાં શામેલ થાવ. આરએસએસ છેલ્લા ૯૫ વર્ષોથી આ અવધારણા પર જીવિત છે અને આપણે એ જ સિદ્ધાંતોનુ પાલન કરવાની જરૂર છે. આરએસએસ પ્રમુખે કહ્યુ કે દરેક વ્યક્તિએ રાષ્ટ્ર નિર્માણનો હિસ્સો બનવુ જોઈએ. આરએસએસનુ લક્ષ્ય ૨૦૨૫ સુધી દેશના દરેક ગામમાં શાખા સ્થાપિત કરવાનુ છે. તેમણે બધા આરએસએસ પદાધિકારીઓને આ લક્ષ્યની દિશામાં કામ કરવાનો આગ્રહ કર્યો.