Western Times News

Gujarati News

જસ્ટિસ યશવંત વર્માના સ્ટોર રૂમમાં કેશનો ઢગલો જોનારા ૧૦ સાક્ષી સામે આવ્યા

(એજન્સી)નવી દિલ્હી, નવી દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને આગ લાગ્યા બાદ સ્ટોર રૂમમાંથી મળી આવેલી લાખો રૂપિયાની બળી ગયેલી ચલણી નોટોના કેસની તપાસમાં સુપ્રીમ કોર્ટે દાવો કર્યો છે કે આ મામલાના ૧૦ સાક્ષીઓ છે.

જેમણે મોટી માત્રામાં રોકડ જોઈ હતી. તે બધા દિલ્હી ફાયર સર્વિસ તેમજ દિલ્હી પોલીસના અધિકારીઓ છે. સમિતિએ જસ્ટિસ વર્માના વર્તનને અકુદરતી અને શંકાસ્પદ ગણાવ્યું છે અને તેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.

માર્ચ ૨૦૨૫ જયારે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને અચાનક આગ લાગી ત્યારે આ રોકડ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આગ ઓલવવા પહોંચેલા દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસ અધિકારીઓએ ત્યાં મોટી માત્રામાં રોકડ જોઈ, જેમાંથી અડધી બળી ગઈ હતી. કેટલાક સાક્ષીઓએ જણાવ્યું હતું કે રોકડનો ઢગલો લગભગ ૧.૫ ફૂટ ઊંચો હતો અને ૫૦૦ રૂપિયાની નોટો ચારે બાજુ વિખરાયેલી હતી. આ ઉપરાંત તપાસ સમિતિએ જણાવ્યું કે ફક્ત જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. તેઓ બાદમાં રૂમ સાફ કરવામાં આવ્યા અને ત્યાંથી બધી નોટો ગાયબ થઈ ગઈ.

રોકડ જોનારા ૧૦ સાક્ષી ઃ અંકિત સેહવાગ દિલ્હી ફાયર સર્વિસ , પ્રદીપ કુમાર (ફાયર ઓફિસર, દિલ્હી ફાયર સર્વિસ મનોજ મહેલાવત (સ્ટેશન ઓફિસર, દિલ્હી ફાયર સર્વિસ ), ભંવર સિંહ (ડ્રાઈવર, દિલ્હી ફાયર સર્વિસ ), પ્રવીન્દ્ર મલિક (ફાયર ઓફિસર, દિલ્હી ફાયર સર્વિસ ), સુમન કુમાર (સહાયક વિભાગીય અધિકારી, દિલ્હી ફાયર સર્વિસ ),

રાજેશ કુમાર (તુઘલક રોડ પોલીસ સ્ટેશન, દિલ્હી પોલીસ), સુનિલ કુમાર (ઇન્ચાર્જ, આઈસીપીસીઆર ), રૂપ ચંદ (તુઘલક રોડ પોલીસ સ્ટેશન, હેડ કોન્સ્ટેબલ), ઉમેશ મલિક (તુઘલક રોડ પોલીસ સ્ટેશન, એસએચઓ).

તપાસ સમિતિએ જસ્ટિસ વર્મા કેસમાં કહ્યું કે, જસ્ટિસ વર્માએ ક્્યારેય પોલીસ કે ઉચ્ચ ન્યાયિક અધિકારીઓને રોકડ રકમની રિકવરી અંગે જાણ કરી ન હતી. તેમજ સમિતિએ જજના રોકડ રકમની જાણ ન હોવાના દાવાઓને અવિશ્વસનીય ગણાવ્યા, એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો આ કાવતરું હતું તો તેમણે અત્યાર સુધી ફરિયાદ કેમ ન કરી?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.