નિકોલ ખાતે ખોડિયાર મંદિર પાસેથી ૩ કિલો સોનાની લૂંટ
અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર પાસેથી આજે એક જવેલર્સ પાસેથી લૂંટારાઓએ અંદાજે રૂ.૧.૨૦ કરોડની કિંમતના ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને લૂંટારાઓએ ધોળેદિવસે આટલી મોટી લૂંટને અંજામ આપતાં પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.
નિકોલ પોલીસ સહિત શહેર પોલીસ લૂંટારાઓને પકડવા કામે લાગી હતી. પોલીસ દ્વારા શહેરમાં આવતા અને બહાર જતા માર્ગો પર ઠેર-ઠેર નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી લૂંટારાઓને પકડી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફુટેજ સહિતની કડીઓ અને પુરાવાના આધારે પણ સમગ્ર પ્રકરણમાં તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે આજે બપોર બાદ ધોળે દિવસે લૂટારૂઓએ એક જ્વેલર્સને લૂંટી લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જ્વેલર્સ વેપારી સોનું ભરેલી બેગ લઈ નિકોલ ગામ બહાર આવેલા ખોડીયાર માતાના મંદિર નજીકની પસાર થઈ રહ્યા હતા તે સમયે લૂંટારૂ ટોળકીએ તેમને આંતરી હાથમાં રહેલી બેગ છીનવી રફૂચક્કર થઈ ગયા છે.
સોનું ભરેલી બેગમાંથી ત્રણ કિલો સોનું લૂંટાયુ હોવાનો અને તેની કિંમત આશરે રૂ.૧.૨૦ કરોડ હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. જા કે, તેમ છતાં પોલીસ સોનાના લૂંટાયેલા જથ્થા અને તેની કિંમતને લઇ ખરાઇની દિશામાં તપાસ કરી રહી છે. લૂંટની આ સમગ્ર ઘટના મામલે જ્વેલર્સ વેપારીએ તુરંત નિકોલ પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, આ મામલે વેપારીએ પોલીસને જણાવ્યા અનુસાર, તેઓ પોતાની કારમાં સોનું ભરેલી બેગ લઈ અહીં એક વેપારીને જ્વેલરીની ડિઝાઈન બતાવવા આવ્યા હતા,
તે સમયે ગાડીની ડેકી ખોલી બેગ કાઢી રહ્યા હતા તે સમયે પલ્સર બાઈક પર આવેલા બે શખ્સોએ ચીલ ઝડપે તેમના હાથમાં બેગ છીનવી લીધી અને રફુચક્કર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સીજી રોડ પર આવેલા વિકાસ ગોલ્ડના વેપારી નિકોલ સોનાના વેપાર માટે આવ્યા હતા
તે સમયે તેમની સાથે ત્રણ કિલો સોનાના લૂંટની ઘટના બની છે. પોલીસે હાલમાં લૂટારૂઓ અમદાવાદથી બહાર ભાગી ન જાય તે માટે નાકાબંધી શરૂ કરી દીધી છે. પોલીસે ઘટના સ્થળ પર રહેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં અનેક લૂંટ અને ચોરીના બનાવો સામે આવતા શહેર પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આજે લૂટારૂઓએ જ્વેલર્સ વેપારીને લૂંટી મોટી ચોરીને અંજામ આપતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.