ચાંદલોડીયામાં બુકાનીધારી ટોળાનો યુવાન ઉપર હિંસક હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે ઉપરાંત નજીવી બાબતે હુમલા કરવાના બનાવો પણ અવારનવાર સામે આવતા રહે છે. ખાસ કરીને સ્થાનિક વિસ્તારોમાં પોતાની ધાક જમાવવા માટે આવા કિસ્સા વધુ બનતા હોય છે જેના પગલે વારંવાર જુથ અથડામણ થતાં નાગરિકો પણ ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે આવા જ લુખ્ખા તત્વોએ ગઈકાલે રાત્રે ચાંદલોડીયા વિસ્તારમાં ત્રાસ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે દસથી બાર જેટલા શખ્સો મોંએ બુકાની બાંધીને આવ્યા બાદ એક યુવાન પર પાછળથી ઘા કરીને તેના પગમાં ચપ્પુઓ મારી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતાં.
આ ઘટનાની વિગત એવી છે કે શીવકુમાર મહેશભાઈ યાદવ શીખર ટેનામેન્ટ, જીએસટી ફાટકની બાજુમાં ન્યુ રાણીપ અમદાવાદ ખાતે રહે છે. ગઈકાલે મોડી રાત્રે શીવકુમાર પોતાની કાર લઈને ચાંદલોડીયા ખાતે આવેલી દુર્ગા સ્કુલની બાજુમાં આવેલા જય અંબે પાન પાર્લર આગળ ઉભો હતો ત્યારે રાહુલ ઠાકોર નામનો શખ્સ અચાનક તેના ૧૦ થી ૧ર જેટલા બુકાનીધારી સાગરીતો સાથે આવ્યો હતો અને શીવકુમાર ઉપર પાછળથી હુમલો કરી પતરાનો ઠબો માર્યો હતો જીવ બચાવીને ભાગવા જાય એ પહેલાં જ કોઈએ શીવકુમારના ડાબા પગમાં ધારદાર છરો ખોંપી દેતા મૂઢમાર અને ઘા ના કારણે તે બેભાન થઈ ગયા હતા
જયારે બારથી તેર જેટલા શખ્સોએ શીવકમુર પર જીવલેણ હુમલો કર્યા બાદ બેભાન થયેલા શીવને ત્યાં જ છોડી ભાગી ગયા હતા. રાત્રે ૧૧.૦૦ વાગ્યાના સુમારે ઘટના બનતા પાનના ગલ્લા સહીત સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. થોડીવાર બાદ ભાનમાં આવેલા શીવકુમારે તપાસ કરતાં તેમની ગાડીના કાચ તુટેલા હતા અને ગળામાંથી ૮પ હજારની કિંમતનો દોરો પણ ગાયબ હતો બાદમાં સારવાર લીધા પછી તે સોલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જયારે પોલીસે તેમની ફરીયાદ લઈ રાહુલ સહીત ટોળા સામે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.