ઓસ્ટ્રેલિયાની ગુજરાતી શૈક્ષણિક સંસ્થાઓ માટે ડો. જગદીશ ત્રિવેદીનું ૩૦૦૦ ડોલરનું દાન

ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં સૌપ્રથમવાર કોઈ કલાકાર ભારતથી આવીને રૂપિયા લેવાને બદલે સામે દાન આપીને ગયો છે -કલાકારની જાહેરાત બાદ વધુ રપ,૦૦૦ ડોલર એકત્ર થયા
સુરેન્દ્રનગર, ગત રવિવારની સાંજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વેસ્ટર્ન ગુજ્જુ નામની સેવાભાવી સંસ્થા દ્વારા સ્વામીનારાયણ ગુરુકુળમાં ચાલતા ગુજરાતી ભાષાની શાળાના ઉત્કર્ષ માટે ડો. જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું. Australia western gujju
આશરે ૪૦૦ વ્યક્તિની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યક્રમના અંતે ડો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે આ શાળામાં બાળકો માતૃભાષા ભણશે, જો માતૃભાષા બચી જશે તો આપણા સંસ્કાર અને સંસ્કૃતિ બચી જશે. હું આ સેવાયજ્ઞમાં મારા તરફથી પાંચસો ડોલર આપુ છું. બાદ માત્ર પાંચ જ મિનિટમાં પચીસ હજાર ડોલરનું દાન એકત્ર થયું, જે ગુરુકુળના સંચાલકોને આપવામાં આવ્યું હતું.
ડો. જગદીશ ત્રિવેદીના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં થયેલા ત્રણ કાર્યક્રમમાં એમનું વ્યક્તિગત દાન કુલ ૩૦૦૦ ડોલર થયું. હિન્દુ સ્કુલ ઓફ સીડનીને ર,૧૦,૦૦૦ ડોલર અને ગુજરાતી સ્કુલ ઓફ મેલબોર્નને રપ૦૦૦ ડોલર મળી કુલ ર,૩પ,૦૦૦ ડોલરની સેવા થઈ, જે ભારતના આશરે રૂ.એક કરોડ, ત્રીસ લાખ થયા.
ગુજરાતી સમાજ કેનબરા અને સીડની, વેસ્ટર્ન ગુજ્જુ- મેલબોર્ન અને સ્વામીનારાયણ ગુરુકુળના સંચાલકોએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં સૌપ્રથમવાર કોઈ કલાકાર ભારતથી આવીને રૂપિયા લેવાને બદલે સામે દાન આપીને ગયો છે અને હિન્દુઓ તેમજ ગુજરાતીઓ માટે માતબર રકમ એકત્ર કરાવી આપી છે.