સુરતમાં બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદથી જળબંબાકાર

જુદા જુદા વિસ્તારમાંથી ૧૧૨ લોકો-દર્દીઓને સ્થળાંતર કરવા પડ્યાં
સોમવારે સવારે સુરત શહેર પાટે ચઢતું હતું ત્યાં જ સવારે આઠ વાગ્યાથી જે આક્રમક રીતે વરસાદ શરૂ થયો હતો
સુરત,સુરત શહેરમાં સોમવારે સવારે મેઘરાજાએ તાંડવ કર્યું હતું. માત્ર બે કલાકમાં જ ૧૩૫ મિ.મિ.(પોણા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સળંગ બે કલાક સાંબેલાધાર વરસાદને પગલે શહેરના મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતાં. મકાનો, દુકાનો, બેઝમેન્ટ, લો-કોસ્ટ કોલોનીઓ પાણીમાં ડૂબ્યાં હતાં. સેંકડો વેપારીઓને માટે મંદ વેપાર ધંધા વચ્ચે પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો હતો. સીધા શબ્દોમાં શહેર જાણે લકવાગ્રસ્ત બની ગયું હતું. જનજીવન સંપૂર્ણ ઠપ થઈ ગયું હતું.
વરસાદની તીવ્રતા સામે સુરત પાલિકાનું શહેરમાં પ્રતિ કલાક એકથી સવા ઇંચ વરસાદની ક્ષમતા ધરાવતું વરસાદી ગટરનું નેટવર્ક પણ સાવ નિમ્ન સાબિત થયું હતું. સવારે બે કલાક પછી વરસાદ થોડો ધીમો જરૂર રહ્યો હતો પણ સાંજે ચાર વાગ્યા સુધી સુરતમાં એકધારો વરસતો રહેતા સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધીમાં ૨૪૨ મિ.મિ (સાડા નવ ઇંચથી વધુ) વરસાદ નોંધાયો હતો. પાલિકાના ફાયર બ્રિગેડે શહેરમાં અલગ અલગ સ્થળોએ વરસાદને કારણે ફસાયેલા ૧૧૨ લોકો જેમાં દર્દીઓ પણ સામેલ હતાં, તેમને રેસ્ક્યુ કરવા પડ્યા હતાં. સુરત ઉપરાંત કામરેજ અને પલસાણામાં પણ અનુક્રમે સાડા સાત ઇંચ અને સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો.
સોમવારે સવારે સુરત શહેર પાટે ચઢતું હતું ત્યાં જ સવારે આઠ વાગ્યાથી જે આક્રમક રીતે વરસાદ શરૂ થયો હતો, સવારે ૮થી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં ૫.૭૦ ઇંચ વરસાદ પડ્યો હતો. બે કલાકમાં આટલો તીવ્ર વરસાદ છેલ્લા ૪૦ વર્ષના રેકર્ડમાં ક્યારેય નથી નોંધાયો, તેવું પાલિકાના ફાયરકંટ્રોલનું કહેવું છે.ભારે વરસાદના લીધે શહેરના મોટાભાગના રસ્તા ઉપર ઘૂંટણથી ગળા સુધીના પાણી ભરાયા હતાં. ઘણા રસ્તા ઉપર પોલીસ બંદોબસ્ત મૂકીને રસ્તા બંધ કરી દેવા પડ્યા હતાં. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા-કોલેજોમાં તાત્કાલિક અસરથી રજા આપી દેવા આદેશ કરાયા હતા.
જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની શાળાઓને સ્કૂલોમાં રજા આપી દઈ વિદ્યાર્થીઓને સહીસલામત ઘરે પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરાઈ હતી. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી-આવતી તમામ એસ.ટી. બસ સેવા બંધ કરી દેવાઈ હતી. સુરત અને આસપાસના વિભાગની કુલ અંદાજિત ૨૦૦ બસ ટ્રીપ રદ કરવામાં આવી હતી.સમગ્ર સુરત જિલ્લામાં સવારે ૬ થી સાંજના ૪ વાગ્યા સુધીમાં સૌથી વધારે સુરત શહેરમાં ૨૩૯ મિમી અને સૌથી ઓછો મહુવામાં ૪૩ મિમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત જિલ્લાના કામરેજમાં ૧૮૧ મિમી, પલસાણામાં ૧૫૪ મિમી, બારડોલીમાં ૧૧૯ મિમી, ઓલપાડમાં ૧૦૭ મિમી, ચોર્યાસીમાં ૯૦ મિમી, માંગરોળ અને માંડવીમાં ૭૬ મિમી વરસાદ નોંધાયો હતો.