ગોમતીપુરમાં વ્યાજખોર ભાણીએ મામાનું અપહરણ કરી મકાન લખાવી લીધુ
સોલામાં વેપારીએ વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી ! પોલીસ કમિશ્નરનાં નવાં આદેશ મુજબ કાર્યવાહી થવાની શક્યતા
અમદાવાદ: શહેરમાં ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં ધીરતાં લાયસન્સ વગરનાં શખ્સો ખૂબ ફુટી નીકળ્યા છે. આ શખ્સો જરૂરીયાતમંદ નાગરીકોને ૨૦થી ૩૦ ટકા જેટલાં પણ ઉંચા વ્યાજે નાણાં ધીરીને આર્થિક રીતે શોષણ કર્યા બાદ તેમની પાસેથી વાહનો તથા મિલકતો પડાવીને આર્થિ રીતે બરબાદ કરી નાંખે છે. કેટલાંક કિસ્સાઓમાં લાલચુ વ્યાજખોરો બિભત્સ માંગણી કરતાં હોવાનાં તથા પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હોવાની ફરીયાદો ણ નોંધાઈ છે.
થોડાં સમયથી આવાં શખ્સોને કારણે ભીંસમાં આવી જતાં નાગરીકો આપઘાત કરી લેતાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનું પણ આ પ્રત્યે ધ્યાન જતાં શહેર પોલીસ કમિશ્નરે દોઢ ટકાથી વધુ વ્યાજ વસુલતાં ફાયનાન્સરો વિરુદ્ધ પાસાં કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન જ વધુ બે ફરીયાદો ગોમતીપુર તથા સોલા પોલીસને મળી છે. ગોમતીપુરમાં કૌટુંબિક ભાણીએ જ વૃદ્ધનું અપહરણ કરીને લખાણ કરાવી લીધું છે.
જ્યારે સોલામાં એક વેપારીએ અનેકગણું વ્યાજ ચૂકવ્યાં છતાં રૂપિયાની માંગણી ચાલુ રાખતાં વેપારીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ગોમતીપુરમાં મગનકુંભારની જુની ચાલી ખાતે રહેતાં મહેન્દ્રભાઈ કરસનભાઈ પરમાર નામનાં વૃદ્ધ શાહીબાગ ખાતે રેલવે પાર્સલ ઓફીસમાં નોકરી કરે છે.
ગત મે ૨૦૧૯માં ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમણે કૌટુંબિક ભાણી ગીતાબેન પરમાર (કેસા લલ્લુની ચાલી, ગોમતીપુર) પાસેથી રૂપિયા એક લાખ પાંચ ટકાએ લીધા હતા. ત્યારબાદ ઘર રીપેરીંગ કરાવવા વધુ એક લાખ લીધા હતા. જા કે પરિસ્થિતિ ખરાબ થતાં તે વ્યાજ કે મુકી આપી ન શકતાં ભાણી ગીતા તેનો પતિ વસંત, તથા તેના ભાઈ-બહેન મહેન્દ્રભાઈને ધાક ધમકીઓ આપવા લાગ્યા હતાં. જેથી ગભરાઈ ગયેલાં મહેન્દ્રભાઈ પરીવાર સાથે થોડાં દિવસથી ઘર પણ બદલી નાંખ્યુ હતું.
દરમિયાન બુધવારે રાત્રે તે પોતાની નોકરી પર હાજર હતાં એ સમયે ગીતા તેનો પતિ વસંત અને ભાઈ-બહેન સહિત ચારેય શખ્સો ત્યાં આવીને મહેન્દ્રભાઈને ફોન કરી ‘તમે બહાર આવો નહીં તો અમે અંદર આવીશું’ તેવી ધમકીઓ આપી હતી. જેથી રાત્રે આઠ વાગ્યે બહાર ગયેલાં મહેન્દ્રભાઈને ચારેયે ગાળો રીક્ષામાં ગીતાનાં ઘરે લઈ ગયા હતા.
જ્યાં ધમકીઓ આપીને “કોરા કાગળમાં જા વ્યાજનાં રૂપિયા ન આપું તો મારું મકાન ગીતાબેનનાં નામે કરી આપીશ” તેવું લખાણ લખાવી દીધું હતું. બાદમાં તેમને છોડી મુકતાં ગભરાઈ ગયેલાં વૃદ્ધ મહેન્દ્રભાઈએ ફોન ઉપર સમગ્ર ઘટનાની જાણ પોતાનાં ભાઈને કરતાં તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ આવી પહોંચી હતી અને મહેન્દ્રભાઈની વાત સાંભળી ગેરકાયદેસર વ્યાજખોરી તથા અપહરણ અને ધમકીઓની કલમ હેઠળ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે મૂળ રાજસ્થાનનાં તથા હાલમાં શ્રીમદ રેસીડેન્સી ગોતા ખાતે રહેતાં બલદેવરામ કાલુરામ ગુજ્જર નામનાં વેપારીએ જરૂર પડતાં રૂપિયા સાત લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા. આ રકમનું મુડી કરતાં અનેકગણું વ્યાજ ચૂકવી આપ્યા છતાં વ્યાજખોરો વધુને વધુ રૂપિયા આપવા માટે માનસિક દબાણ કરતાં ઉપરાંત ધાકધમકીઓ આપતાં છેવટે ત્રાસી ગયેલાં વેપારી બળદેવરામે સોલા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધી તજવીજ હાથ ધરી છે.