શહેરની સાંકડી સડકો પર 1650 બસો દોડાવવાનો “તઘલખી નિર્ણય” !
જનમાર્ગના ૯૦ કિ.મી.કોરીડોર માં ૮પ૦ બસ દોડશે !
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. તથા આગામી વર્ષોમાં ટ્રાફિક સમસ્યા કાબુ બહાર જઈ શકે છે. જેના માટે મ્યુનિ.વહીવટીતંત્ર અને શાસકો સીધા જવાબદાર હોઈ શકે છે. મ્યુનિ.કોર્પોરેશનની બે જાહેર પરીવહન સેવાઓ દ્વારા એક વર્ષમાં ૧૬૦૦ કરતા વધુ બસો દોડાવવાની જાહેરાતો કરવામાં આવી છે.
મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નવા નાણાકીય વર્ષમાં ૮૦૦ અને જનમાર્ગ દ્વારા ૮પ૦ બસ દોડાવવામાં આવશે. જેના માટે ટેન્ડર સહીતની તમામ પ્રક્રિયાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ બે સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ જાહેરાત નો પૂર્ણ અમલ થાય તો શહેરની સડકો પર માત્ર અને માત્ર એ.એમ.ટી.એસ.અને જનમાર્ગ ની બસો જ જાવા મળશે. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ કમીટી ચેરમેને પણ તેમના સુધારા અંદાજમાં આ બાબતે ખાસ સુચનો કર્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની બે જાહેર પરીવહન સેવા એએમટીએસ અને જનમાર્ગ દ્વારા હાલ કુલ ૯પ૦ જેટલી બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં એએમટીએસ ની ૭૦૦ અને જનમાર્ગની રપ૦ બસો તો સમાવેશ થાય છે.મ્યુનિ.કમીશ્નરે જનમાર્ગ માટે નવી ૬૦૦ ઈલેકટ્રીક બસના ટેન્ડર જાહેર કરી તેના ઓર્ડર પણ આપ્યા છે. જનમાર્ગ ના ૮૯ કીલોમીટરના સ્ટ્રેચ માટે કમીશ્નર લગભગ ૮પ૦ બસનો જથ્થો તૈયાર કરી રહયા છે.
આ બસો કોરીડોર તેમજ મીક્ષ ટ્રાફિકમાં પણ દોડાવવામાં આવશે. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હાલ દૈનિક સરેરાશ ૭૦૦ બસ દોડાવવામાં આવી રહી છે. તથા નવી ૧૦૦ સીએનજી બસ માટે ટેન્ડર જાહેર કર્યા છે. આગામી ત્રણ-ચાર મહીનામાં એમટીએસને નવી ૧૦૦ બસ મળી જશે.
જયારે કમીશ્નરના દાવા મુજબ જનમાર્ગમાં પણ નવી ૬૦૦ ઈલેકટ્રીક બસો આવી જશે. આ દાવા સાચા સાબિત થાય તો તેવા સંજાગોમાં જાહેર પરિવહન સેવાની ૧૬પ૦ બસ રોડ પર દોડતી થઈ જશે. જે નાગરીકોની પરીવહન સુખાકારી માટે સારી રહેશે પરંતુ આટલી બસો કયાં અને કેવી રીતે દોડશે ? તેના જવાબ હાલ કોઈ આપી શકે તેમ નથી !
મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોનું માનીએ તો કમીશ્નરને એમટીએસમાં રસ નથી ! તેથી જ કોરીડોરમાંથી એમટીએસ ની બસો બહાર કરવામાં આવી છે. જયારે એસ.ટી.ની બસો દોડી રહી છે. ભવિષ્યમાં અને સંસ્થાઓના દાવા મુજબ કુલ ૧૬પ૦ બસો એકસાથે દોડતી થાય તો ટ્રાફિક સમસ્યા ગંભીર બની શકે છે.
તેવા સંજાગોમાં એમટીએસનો ભોગ લેવામાં આવે તેવી શકયતાઓ વધી જાય છે. આઝાદીના પહેલાથી શરૂ થયેલ એમટીએસને બચાવવા માટે ટ્રાન્સપોર્ટ ચેરમેને તેમના સુધારા બજેટમાં ખાસ સુચન કર્યા છે. જેનો અમલ થાય તો અમદાવાદની આગળ ઓળખ સમાન “લાલ બસ”તેનું અસ્તિત્વ જાળવી શકે તેમ છે.
મ્યુનિ.ટ્રાન્સપોર્ટ ચેરમેન અતુલભાઈ ભાવસારના જણાવ્યા મુજબ હાલ જનમાર્ગની રપ૦ બસો ૧૪ રટ પર તથા એમટીએસની ૭૦૦ બસો ૧પ૦ રૂટ પર દોડી રહી છે. આગામી વર્ષમાં નવી ૬૦૦ ઈલેકટ્રીક બસો જનમાર્ગમાં આવશે. તેવા સંજાગોમાં નવી બસો ને મીક્ષ ટ્રાફિકમાં ચલાવવાની ફરજ પડી શકે છે. તેથી ટ્રાફિક સમસ્યા વકરી શકે છે. તેમજ બંને સંસ્થાને ફાળે નુકશાની આવી શકે છે. આ સંભવિત સમસ્યા નિવારવા માટે સમાન વહીવટી માળખુ તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. જનમાર્ગ અને એમટીએસ ની ટીમ સંયુકતપણે રૂટ અને ઓપરેશન નકકી કરી શકે છે.
બંને સંસ્થાની બસના ભાડા સમાન રાખી માત્ર એ.સી.બસનું ભાડુ અલગથી નકકી કરવામાં આવે તે જરૂરી છે. એક જ રૂટ પર જનમાર્ગ અને એમટીએસની બસો દોડાવવામાં આવે તો બસ ફીકવન્સી વધી શકે છે. જેનો નાગરીકો ને પણ લાભ મળશે. સમાન રૂટ, મોબીલીટી અને ઓપરેશન્સ માટે નિષ્ણાંતોની કમીટી બનાવી તે અંગે અભ્યાસ કરવામાં આવે તો ભવિષ્યની સંભવિત સમસ્યાને નિવારી શકાય તેમ છે.
એમટીએસ અને જનમાર્ગની એક જ માતૃસંસ્થા છે. આ સંજાગોમાં હરીફાઈ કરવાના બદલે સાથે રહીને કામ કરવામાં આવે તો મ્યુનિ.કોર્પોરેશન અને નાગરીકો ને ફાયદો થઈ શકે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મ્યુનિ.કોગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ શહેરમાં એમટીએસ અને જનમાર્ગ બંને જાહેર પરીવહન સંસ્થા છે. તેમજ નજીકના ભવિષ્યમાં મેટ્રો પણ શરૂ થઈ જશે.
આ સંજાગોમાં જનમાર્ગમાં નવી ૬૦૦ ઈલેકટ્રીક બસોનો ઓર્ડર શા માટે આપવામાં આવ્યો ?
તે યક્ષ પ્રશ્ન છે. કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાયનો લાભ લેવા માત્ર ૩૦૦ બસ નો જ ઓર્ડર આપવાના બદલે કમીશ્નરે સબસીડી વગરની વધુ ૩૦૦ બસનો ઓર્ડર પણ આપ્યો છે. જેના કારણે મનપાને કરોડો રૂપિયાનું નુકશાન તો થયું જ છે. સાથે-સાથે ભવિષ્યમાં ટ્રાફિક અને પાર્કીગની સમસ્યા અતિગંભીર બની શકે છે.
મ્યુનિ.કમીશ્નર દ્વારા માત્ર જનમાર્ગનું જતન કરવાના બદલે એમટીએસની પણ કાળજી લેવામાં આવે તે પણ આવશ્યક છે. જનમાર્ગના ૯૦ કિ.મી. ના કોરીડોરમાં ૮પ૦ બસ કેવી રીતે ચાલી શકે ? સામાન્ય વ્યકિત પણ જે બાબતે સમંત ન થાય તે બાબત પર શાસકો કેવી રીતે સમંત થયા ? તેના જવાબ પણ મ્યુનિ.શાસકપક્ષે આપવા જરૂરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.