ગોધરાના કાંકણપુર-છક્કડિયા રોડ પર બેફામ ટ્રક હંકારતા ચાલકોનો ત્રાસ વધ્યો

પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકાના કાંકણપુર-છક્કડિયા રોડ પર બેફામ વાહન ચાલકોનો ત્રાસ યથાવત રહ્યો છે. ફરી એકવાર ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે સામાન ભરેલો એક ટ્રક રોડની સાઈડમાં ખાડામાં ખાબક્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી કાંકણપુર-છક્કડિયા રોડ પર ટોલ ટેક્સ બચાવવા માટે વાહનોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે. આસપાસના વિસ્તારના લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે કે આ રોડ પર ટ્રક ચાલકો બેફામ ગતિએ વાહન ચલાવે છે, જેના કારણે સ્થાનિક લોકોના જીવ જોખમમાં મુકાય છે.
આ અગાઉ લોકોની રજુઆત બાદ આર.ટી.ઓ. વિભાગ દ્વારા એક દિવસની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી બાદ પણ વાહનચાલકોના વર્તનમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આ બનેલી ઘટનામાં ફરી એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગયો હતો. આ અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સદનસીબે, આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે તંત્ર આ મામલે સત્વરે અને કડક કાર્યવાહી કરે. બેફામ વાહન ચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે અને ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવે તેવી માગણી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. આ રોડ પર નિયમિત પેટ્રોલિંગ અને સ્પીડ લિમિટના પાલન માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ ઊઠવા પામી છે.