કોલકાતા ગેંગરેપઃ આરોપીઓના DNA સેમ્પલ લેવામાં આવ્યાં

કોલેજના પ્રથમ દિવસથી જ પીડિતા આરોપીઓના ટાર્ગેટ પર હતીઃ પોલીસ
આ ઉપરાંત પોલીસે યુનિયન રૂમ, ગાર્ડ રૂમ અને બાથરૂમમાંથી મળેલી ચીજોને ફોરેન્સિક તપાસ માટે મોકલી હતી
કોલકાતા,કોલકાતામાં લો કોલેજની એક વિદ્યાર્થિની સાથે ગેંગરેપમાં ત્રણ આરોપીઓના ડીએનએ સેમ્પલ્સ મેળવી લેવાયા છે. આ ઘટનામાં પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે ૨૪ વર્ષીય યુવતી સાથે રેપની ઘટનાનુ અગાઉથી પ્લાનિંગ કરાયું હતું. બીજી બાજુ આ ઘટના મામલે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો હાથ ધરાયા છે. મોનોજિત મિશ્રા, પ્રતીમ મુખરજી અને ઝૈદ અહેમદ આ ત્રણ આરોપીઓના ડીએનએ મેળવવા માટે કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
અહીં તેમના વાળ, પેશાબ સહિતની ચીજો સેમ્પલ્સ ફોરેન્સિક તપાસ માટે એકત્ર કરાઇ હતી. આ પ્રક્રિયા આશરે આઠ કલાક ચાલી હતી. આ ઉપરાંત પોલીસે યુનિયન રૂમ, ગાર્ડ રૂમ અને બાથરૂમમાંથી મળેલી ચીજોને ફોરેન્સિક તપાસ માટે મોકલી હતી. ૧.૫ મિનિટની લાંબી વિડીયો ક્લીપ પણ ફોરેન્સિકમાં મોકલવામાં આવી હતી. આ ક્લિપ મુખ્ય આરોપી મિશ્રાના મોબાઇલ ફોનમાંથી મળી હતી. આ ક્લિપ અન્યોને મોકલવામાં આવી છે કે કેમ તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આવું હશે તો એ લોકોની પણ પૂછપરછ કરાશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. મહિલા પર હુમલાની યોજના ચારમાંથી ત્રણ આરોપીઓ દ્વારા અગાઉ નક્કી કરાઇ હતી.
આ ઘટનામાં તપાસ કરી રહેલી નવ સભ્યોની ખાસ તપાસ ટીમના અધિકારીઓનું માનવું છે કે મિશ્રા, મુખરજી અને અહેમદનો ભૂતકાળ વિદ્યાર્થિનીની જાતીય સતામણીનો રહેલો છે. આ ત્રણેય આવા કૃત્યોની તેમના મોબાઇલ ફોનમાં રેકો‹ડગ કરતા હતા અને એ પછી પીડિતાઓને બ્લેકમેઇલ કરવા માટે તેનો ઉપયોગ કરતા હતા. પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે ‘આ સમગ્ર મામલો પૂર્વયોજિત હતો. ત્રણેય ઘણા દિવસોથી પીડિતા પર આ ત્રાસ ગુજારવાનું કાવતરું ઘડી રહ્યા હતા. અમને જાણવા મળ્યું છે કે પીડિતાને કોલેજમાં પ્રવેશ મળ્યાના પહેલા દિવસથી જ મુખ્ય આરોપીએ નિશાન બનાવી હતી.’કોલકાતા પોલીસે આરોપીઓ દ્વારા મોબાઇલ ફોન પર કથિતરીતે ફિલ્મિંગ કરાયેલા વીડિયો માટે સર્ચ અભિયાન હાથ ધર્યું છે. ss1