Western Times News

Gujarati News

દૂધ પાવડરની તપાસ કરાવવા અમે સરકારને વિનંતી કરવાના છીએ : દૂધસાગર ચેરમેન

આક્ષેપો તેમજ દુધના પાવડરની ઓથોરિટી મારફત તપાસ કરવામાં આવે

વિવિધ આક્ષેપો વખોડ્યા બાદ અશોકભાઈએ જણાવ્યું હતું કે, ગ્રાહકોનો વિશ્વાસ જરા પણ ડગે નહીં એ રીતે અમુલ અને દૂધસાગર ડેરી કામ કરી રહ્યું છે

મહેસાણા,મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળની શુક્રવારે મળેલી બેઠક બાદ વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સોમવારે ચેરમેને મીડિયા સમક્ષ આક્ષેપોનું ખંડન કરી ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે તે માટે આક્ષેપોની તેમજ દૂધ પાવડરની સક્ષમ ઓથોરિટી મારફત તપાસની માંગ સરકાર પાસે કરી હતી.ડેરીના વાઈસ ચેરમેન યોગેશભાઈ પટેલે ડેરીના દેવાની રકમ, પાવડરની બિનજરૂરી ખરીદી, એક્સ્પાયર્ડ પાવડર વગેરે અંગે કરેલા આક્ષેપોનું ખંડન કરતાં સોમવારે ચેરમેન અશોકભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નવું નિયામક મંડળ આવ્યું ત્યારે લોંગ ટર્મ લોન રૂ.૪૧૫ કરોડ હતી, નવા નિયામક મંડળે રૂ.૩૦૪ કરોડ લોન ભરી તેમજ નવી ૭૯૨ કરોડની મિલકતો વસાવી.

આમ કુલ રૂ.૧૦૯૬ કરોડની સામે હાલમાં લોંગ ટર્મ લોન ૬૭૭ કરોડ એટલે કે ૪૧૯ કરોડ ઓછી છે. શિયાળામાં દૂધ લેવાનું ચાલુ રાખી માખણ, પાવડર સ્ટોક કરવામાં આવે છે. જેથી પશુપાલકોને ચૂકવવા લોન લેવી પડે છે. જેમાં ૨૦૨૧માં માલસ્ટોક રૂ.૭૫૭ કરોડનો હતો તેની સામે લોન રૂ.૫૭૭ કરોડ હતી, જે ૨૦૨૫માં માલ સ્ટોક રૂ.૧૨૪૩ કરોડનો હતો, તેની સામે લોન રૂ.૫૧૩ કરોડ છે. ફેડરેશન મારફત અન્ય ડેરી પાસેથી દૂધની સિઝનમાં ઓછા ભાવે પાવડર ખરીદીને બાદમાં વધુ ભાવે વેચવાથી રૂ.૧૬.૫૦ કરોડનો નફો સંઘને થયો છે. પાવડરની એક્સપાયરી ૧૮ મહિનાની લખી હોય તેને ચકાસણી બાદ ગુણવત્તાના માપદંડ બરાબર હોય તો ફેડરેશનની મંજૂરીથી રિપ્રોસેસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

વેચાણ કરવામાં નથી આવતો.વિવિધ આક્ષેપો વખોડ્યા બાદ અશોકભાઈએ જણાવ્યું હતું કે, ગ્રાહકોનો વિશ્વાસ જરા પણ ડગે નહીં એ રીતે અમુલ અને દૂધસાગર ડેરી કામ કરી રહ્યું છે. ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે તે માટે અમે સામેથી મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને મળીને વિનંતી કરવાના છીએ કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મારફત અમારો જે પાવડર પડ્યો છે એનાં સેમ્પલ લઈને યોગ્ય તપાસ કરાવવામાં આવે તેમજ અન્ય આક્ષેપોની સહકાર વિભાગ સક્ષમ ઓથોરિટી મારફત તપાસ કરાવે, એમાં અમે કસુરવાર હોઈએ તો અમારી સામે પગલાં ભરવામાં આવે અને કસુરવાર ન હોઈએ તો અમને ક્લિનચીટ આપવામાં આવે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.