Western Times News

Gujarati News

કિયા સેલ્ટોસ પૂરપાટ આવી અને અચાનક કેનાલમાં ખાબકી: 3 મોતઃ નિકોલના રહેવાસી

(જૂઓ વિડીયો) ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં ૫ ડૂબ્યા, ૩ના મોત -બાકીનાની શોધખોળ ચાલુ: તમામ અમદાવાદના રહીશ

ગાંધીનગર, ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા અંદર બેઠેલી પાંચ વ્યક્તિ ડૂબી ગઈ હતી. કાર કેનાલમાં ખાબકતા આ દૃશ્ય નિહાળનાર લોકોએ બૂમાબૂમ કરતી ઉઠતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડને જાણ કરતાં બચાવ ટીમો પણ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કાર નદીમાં પડયા બાદ એક પણ વ્યક્તિ બહાર નીકળી શકી ન હતી અને કારમાં પાંચ વ્યક્તિઓ બેઠેલી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ એક યુવતી સહિત ત્રણ વ્યક્તિના મૃતદેહ બહાર કાઢયા હતા જ્યારે અન્ય બેની શોધખોળ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કેનાલમાં ડૂબી જનાર નાગરિકો અમદાવાદના નિકોલ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. કાર ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવતી સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કેનાલમાંથી કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે.

પોલીસની હાજરીમાં કારની તપાસ કરવામાં આવતાં તમામ લોકો અમદાવાદના નિકોલ વિસ્તારના ખોડિયાર નગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતીની ઓળખ ખુશી તરીકે કરવામાં આવી છે, જ્યારે યુવકનું નામ હર્ષ બારોટ છે. અન્ય એક મૃતકની ઓળખ બાકી છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવતી સહિત ત્રણ લોકોની લાશ બહાર કાઢી છે, જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ નથી.

ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે. અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બૂમરાણ મચાવી હતી. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સામેની તરફથી આવી રહેલી કાળા કલર ય્ત્ન૦૩ સ્ઇ ૪૭૮૩ નંબરની કિયા સેલ્ટોસ કાર પૂરપાટ આવી હતી અને અચાનક કેનાલમાં ખાબકી ગઇ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

ગાંધીનગર ફાયર વિભાગના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ફાયર કન્ટ્રોલમાં ૨ઃ૪૩ વાગે કિરણ દેસાઈએ વર્ધી લખાવી હતી કે એક ફોર વ્હીલર ગાડી કેનાલમાં પડી ગઇ છે. જેથી અમારી ફાયરની ટીમ ઓન ધ સ્પોટ ઘટનાસ્થળે આવીને બે ડેડબોડી અને ગાડી બહાર કાઢી હતી. જ્યારે એક ડેડબોડી રાહદારીએ કાઢી હતી. હજુ સુધી કેટલી ડેડબોડી છે તેનો કોઇ અંદાજ નથી. ફરી શોધખોળ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.