વિદ્યાર્થીઓના માથેથી સરકાર ઉતારશે ‘ભાર’, સ્કુલ બેગ વગર વિદ્યાર્થી મેળવશે પ્રેક્ટિકલ જ્ઞાન

પ્રતિકાત્મક
શનિવારનાં દિવસે બેગ વગર જવાનું રહેશે: સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો પરિપત્ર
(એજન્સી)ગાંધીનગર, પ્રાથમિક શાળાના બાળકો ૧ વર્ષમાં ૨૦ દિવસ સુધી બેગ લીધા વગર સ્કુલોમાં જશે, સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. એકબાજુ કુપોષણ સામે અભિયાન અને પરિપત્રમાં જણાવાયુ કે, બાળકોની મેદસ્વીતા ઘટાડાવો. ભાર વગરના ભણતરના સૂત્રને હવે સરકાર સાકાર કરવા જઈ રહી છે.
જે મુજબ, ૨૦૨૦ની નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને એક સત્ર દરમિયાન ૧૦ દિવસ સુધી સ્કુલબેગ લીધા વગર બોલાવવાના રહેશે. સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ ૧ થી ૮નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ કરવા બાબતે સરકાર હવે સજાગ બની છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તાબા હેઠળ આવતા જીસીઈઆરટી-ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્રારા આજે આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પડાયો છે. તેમજ ચાલુ શૈક્ષણિક સત્રથી જ તેનો અમલ કરી દેવા માટે ગુજરાતની તમામ શાળાઓને મોકલી અપાયો છે.
પરિપત્રમાં જણાવાયુ છે કે, નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકો કૌશલ્યવાન અને દરેક બાબતમાં નિપુણતા કેળવે તે માટે તેઓને પ્રેકટીકલ જ્ઞાન આપવુ જરૂરી છે. ઉપરાંત ગાણિતિક રમતો, કોયડા, યોગ, સ્પોર્ટસ, શૈક્ષણિક રમતો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરને પણ પ્રાધાન્ય આપવુ. આ બધી પ્રવૃતિઓ માટે એક સત્રમાં કુલ ૧૦ દિવસ સુધી તમામ બાળકોને સ્કુલબેગ લીધા વગર બોલાવવાના રહેશે.
ખાસ કરીને ચારે શનિવાર અને બાકીના દિવસો શાળાઓએ સેટ કરીને બાળકોને શાળામાં બોલાવીને વિવિધ પ્રોજેક્ટ વર્ક કરાવવાનુ રહેશે. જેમાં કમ્પ્યુટર, ચિત્રકામ, સંગીત, વ્યાયામ, સંગીત, માટીકામ વગેરે જેવા પ્રેકટીકલ કામ કરાવવાના રહેશે.આશ્ચર્યની વાત એ છે કે, શાળાઓને મોકલી અપાયેલા પરિપત્રનો અમલ કોણ અને ક્યારથી થશે તેની જવાબદારી કોની તે અંગેની કોઈ જ સ્પષ્ટતા કરાઈ નથી. ઉપરાતં અન્ય બેથી ત્રણ મુદ્દાએ પણ વિવાદ જગાડ્યો છે.
બાળકોને ભાર વગરના ભણતરની વાતો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. નાના બાળકોને એટલા બધા પુસ્તકો અને નોટબુકો સહીતની સામગ્રી અપાઈ રહી છે કે ઢગલાબંધ બાળકો તો સ્કુલબેગ પણ ઉંચકી શકતા નથી. કેટલાય બાળકોને અત્યારથી જ કમરના દુખાવાનો ભોગ બન્યા છે.
એટલુ જ નહી, સરકારના સર્વ શિક્ષા અભિયાન દ્રારા વર્ષ દરમિયાન ૮૦થી વધુ પ્રકારનુ જાતજાતનુ મટીરીયલ અપાતુ હોય છે. જેમાં વિવિધ પુસ્તકો ઉપરાંત સ્વાધ્યાય પોથી, વર્કબુક, સ્વ અધ્યયન પોથી, સહીતની જાતજાતની સામગ્રીનો સમાવેશ થાય છે. તેને કારણે પણ તેની સ્કુલબેગનુ વજન વધી જાય છે.
શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે, જીસીઈઆરટીએ પરિપત્ર તો કરી દીધો પણ તેનો કઈ શાળા કેટલા અમલ કરે છે તેની કોઈને ખબર નથી. ઉપરાંત જીસીઈઆરટી દ્રારા શાળાઓ માટે વારંવાર આ પ્રકારના પરિપત્રો થતા હોય છે પરંતુ કોઈ શાળામાં તેનો ખાસ કોઈ અમલ થતો હોતો નથી. એટલુ જ નહી, પરિપત્ર મુજબ કેટલી અમલવારી થઈ તેનુ મોનિટરીંગ કરવા માટેની પણ કોઈ જ વ્યવસ્થા નથી.
સૂત્રો જણાવે છે કે, એકબાજુ સરકાર પ્રાથમિક શાળાઓમાં કુપોષણને દૂર કરવાનુ અભિયાન ચલાવી રહી છે તો બીજી બાજુ આ પરિપત્રમાં જણાવાયુ છે કે, બાળકોને મેદસ્વીતાથી દૂર રાખવા. આ પરિપત્ર તૈયાર કરવામાં અધિકારીઓએ બુધ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી. મનમાં આવે તેવા નિયમો ઘૂસાડી દીધા છે.
પૂરતા શિક્ષકો નથી, શિક્ષકોનો અન્ય કામોમાં ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. શિક્ષણના તજજ્ઞો કહે છે કે, જો ચોક્કસ ગાઈડલાઈનો સાથેનો પરિપત્ર કરાયો હોત તો તેનો અમલ કરવાનુ શક્ય બન્યુ હોત. અધિકારીઓ માત્ર પરિપત્ર કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે.