Western Times News

Gujarati News

એક વર્ષમાં ૯૬ લાખ દિવ્યાંગોએ એસટી બસોમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગુજરાત એસ.ટી નિગમની તમામ પ્રકારની પ્રીમિયમ અને નોન પ્રીમિયમ બસોમાં રાજ્યના નાગરિકોને પોતાના સ્થાન સુધી સલામત રીતે પહોંચાડવાની સુવિધા આપવામાં આવી રહી છે.

દિવ્યાંગ મુસાફરો અને તેમના સહાયકો પણ એસ.ટી નિગમની બસોમાં વિનામૂલ્યે મૂસાફરી કરવાની યોજનાનો લાભ લઇ રહ્યા છે.જે અંતર્ગત ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં એસટી ની તમામ બસોમાં ૯૬.૫ લાખ દિવ્યાંગ મુસાફરો અને ૧૩.૨૭ લાખ જેટલા તેમના સહાયકોએ વિનામૂલ્યે મુસાફરી સુવિધાનો લાભ મેળવ્યો છે.

આ માટે રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે નિગમને રૂ.૭૫ કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના નાગરીકોને વધુમાં વધુ યોજનાઓ થકી ગુણવત્તાયુકત મુસાફરી સુવિધા કઈ રીતે આપી શકાય તે દિશામાં એસ.ટી નિગમ દ્વારા સતત કામ કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત દિવ્યાંગ મુસાફરો માટે સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગ દ્વારા વિવિધ પાંચ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અને તેમના સહાયકોને એસ.ટી. બસમાં ૧૦૦ ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવા આવી રહ્યો છે.

ગુજરાત એસટી દ્વારા પાંચ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓમાં આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ, દૃજારી સ્નાયુબદ્ધ કઠોરતા, હિમોગ્લોબીનની ઘટેલી માત્રા વગેરેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિ અને તેમના સહાયકોને મુસાફરી માટે ૧૦૦ ટકા રાહત આપવામાં આવે છે.

દિવ્યાંગો દ્વારા નિગમની બસોમાં કરવામાં આવેલ વિનામૂલ્યે મુસાફરી સામે થયેલ ખર્ચની ગ્રાન્ટ સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા નિગમને આપવામાં આવે છે. વર્ષ-૨૦૨૪-૨૫ માં કુલ -૯૬૫૨૬૧૯ દિવ્યાંગ વ્યક્તિ અને કુલ-૧૩૨૭૭૮૪ દિવ્યાંગ વ્યક્તિઓના સહાયકો દ્વારા નિગમની બસોમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો હતો.આમ છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ અને દિવ્યાંગ સહાયક માટે મુસાફરી પેટે ૭૫ કરોડથી વધુની સહાય નિગમને આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.