હિમાચલના કુલ્લુની બંજાર ખીણમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

હિમાચલના મંડીમાં આભ ફાટ્યું ૪ વ્યક્તિના મોત- ૧૬થી વધુ લાપત્તા પહાડો પર સ્થિત પોલીસ કેમ્પમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે
હિમાચલ પ્રદેશ, પૂર અને વરસાદ વચ્ચે, હિમાચલ પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે. હિમાચલના મંડીના ધર્મપુર, લૌંગણીમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કરસોગ ખીણમાં વાદળ ફાટવા જેવી સ્થિતિમાં ૭થી ૮ મકાન પાણીમાં વહી ગયા છે. અનેક વિસ્તારોમાં ગાડીઓ વહેતી હોય તેવી પણ તસવીરો સામે આવી છે. Kullu Banjar Valley, Himachal Pradesh.
હાલ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. વળી, કુલ્લુની બંજાર ખીણમાં તીર્થન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યાં વરસાદ અને પૂરના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. વાદળ ફાટતા જ પર્વતો પરથી ધોધની જેમ પાણી વહેવા લાગ્યું હતું જેના પરિણામે ર૦થી વધુ વ્યક્તિઓ લાપત્તા છે જેમાંથી ૪ વ્યક્તિના મૃતદેહ શોધવામાં આવ્યા હતાં.
રાજય સરકાર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સરકારના મહત્વના પ્રોજેકટ પર પર્વતની તળેટીમાં કામ ચાલી રહયું છે અને આ મજુરો જ પાણીમાં તણાયા હોવાનું જાણવા મળી રહયું છે. આ ઉપરાંત સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
કરસોગના મેગલીમાં નાળામાં પાણી ગામથી થઈને વહેવા લાગ્યો જેનાથી લગભગ ૮ ઘર અને બે ડઝનથી વધુ ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ છે. પહાડોમાં નાળાઓએ એટલા ભયાનક સ્વરૂપે વહી રહ્યા છે કે, પાણી ગામડાંઓમાં ભરાઈ ગયા છે, જેના કારણે લોકો અડધી રાત્રે ઘરોમાંથી નીકળીને રસ્તા પર પહોંચી ગયા છે. હાલ, પહાડો પર સ્થિત પોલીસ કેમ્પમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ધર્મપુરમાં નદીનું પાણી લગભગ ૨૦ ફૂટ ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે બજાર અને પોલીસ સ્ટેશન જળમગ્ન થઈ ગયા છે. થુનાગમાં મુખ્ય બજારના રસ્તામાં જ નાળું વહેવા લાગ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે લોકોને આખી-આખી રાત જાગવું પડ્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોને પોતાની ખાનગી વસ્તુઓનું નુકસાન વેઠવું પડી રહ્યું છે, વળી રસ્તા પર પરિવહન પણ ખોરવાઈ ગયું છે.
સોમવારે ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક ઇમારતો તૂટી ગઈ હતી અને ભૂસ્ખલનના કારણે રસ્તા પર પણ અવરોધ ઊભા થયા છે. ભારે વરસાદના કારણે વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનના કારણે મંડીમાં ૧૨૯ અને સિરમૌર જિલ્લામાં ૯૨ સહિત રાજ્યમાં ૨૫૯ રસ્તા બંધ થઈ ગયા અને ૬૧૪ ટ્રાન્સફોર્મર તેમજ ૧૩૦ પાણી પુરવઠાની યોજનાઓ ખોરવાઈ.
૨૦ જૂને વરસાદના આગમન બાદથી અત્યાર સુધી રાજ્યમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં ૨૩ લોકોના મોત થઈ ચૂક્્યા છે. જોકે, પાણીમાં વહી જવાના કારણે અનેક લોકો ગુમ હોવાના માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા હાલ તે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે જ્યાં નદી-નાળા ઉભરાઈ રહ્યા છે, ત્યાં પહાડોમાં તિરાડો અને રસ્તાઓ પર કાટમાળ પડવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહેલી જુલાઈથી ૬ જુલાઈ સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે પણ વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
તંત્ર દ્વારા મંડીથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને કોઈપણ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. તંત્રએ સાવચેતી આપતાં કહ્યું કે, આગામી થોડા કલાકોમાં વરસાદ હજુ વધી શકે છે એવામાં મુસાફરી કરવાથી બચો અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીનું પાલન કરો.