ગોધરા કલેક્ટર કચેરીએ વિવિધ માગણીઓ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર અપાયું

PM પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ખાનગીકરણના વિરોધમાં રજૂઆત
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા ભારતીય મજદૂર સંઘ અને પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ વિવિધ માગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ અવસરે કર્મચારીઓ દ્વારા મધ્યાહન ભોજન યોજના હેઠળ દાખલ થયેલા ખાનગીકરણના વિરોધમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યા અનુસાર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના ૧૯૮૪થી રાજ્યમાં સફળતાપૂર્વક અમલમાં છે અને ગુજરાત સમગ્ર દેશમાં શ્રેષ્ઠ અમલવારી ધરાવતું રાજ્ય ગણાય છે.
છતાં તાજેતરમાં કેન્દ્રીય રસોડાના પ્રોજેક્ટ દ્વારા રાજ્ય બહારની ચાર ખાનગી સંસ્થાઓના હાથમાં ભોજન વિતરણની યોજના સોંપાઈ રહી છે. જે અંતર્ગત ભોજન ૪૦ થી ૫૦ કિમી દૂર રાત્રે તૈયાર થઈ બીજા દિવસે બપોરે બાળકો સુધી પહોંચે છે. કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો કે આ પ્રણાળી ન તો ગુણવત્તાયુક્ત છે, ન જ આરોગ્યદાયક.
આ તકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની માર્ગદર્શિકા મુજબ તાજું અને તાજેતરનું ભોજન શાળામાં જ તૈયાર થવું જોઈએ. ઉપરાંત સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિના રસોયાઓને પ્રાથમિકતા આપવી તે પણ સમાજમાં સમરસતા લાવવા માટે આવશ્યક છે.આવેદનમાં વિશેષત્વે આ માંગણીઓ રજૂ કરાઈઃભોજન યોજના હેઠળ ખાનગીકરણ તાત્કાલિક રોકવામાં આવે.
શાળાકક્ષાએ ભોજન બનાવનારા રસોયાઓને યોગ્ય વેતન આપવામાં આવે.શાળા સંચાલકોને ‘શાળા સહાયક’નો દરજ્જો આપવામાં આવે.શહેરી વિસ્તારની ભાતે પોષણ યોજના હેઠળ કામ કરતા રસોયાઓ અને શાળાકક્ષાએ કામગીરી કરતા રસોયાઓના વેતનમાં અસમાનતા દૂર કરવામાં આવે.આકસ્મિક દુર્ઘટનાના વળતર તેમજ આરોગ્ય ઇલાજની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ.શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના તમામ લાભો યોજનાકર્મીઓને પણ આપવામાં આવે.
આ અવસરે જિલ્લા નાયબ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર સોંપી સરકાર સુધી આ પ્રશ્નો પહોંચાડવાની અને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી મજબૂત માગણી કરાઈ હતી.