ખેડા જિલ્લામાં ૧૫,૧૧૨ જેટલા રોજગારવાંચ્છુકોની અનુબંધન પોર્ટલ ઉપર નોંધણી

નડિયાદ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા રોજગાર કચેરી દ્વારા ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, સેમિનાર હોલ, નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં, ૨૦ નોકરી દાતાઓ રોજગારવાંચ્છુ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ કરી કુલ ૪૬૪ યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ યુવાઓને રોજગાર એનાયત પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સક્ષમ અને સમર્થ યુવાનો તૈયાર કરવાના હેતુ થી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કૌશલ્ય વર્ધન કરતા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધન પોર્ટલ ઉપર ખેડા જિલ્લામાં ૧૫,૧૧૨ જેટલા રોજગારવાંચ્છુ અને ૧૫૧૮ જેટલા નોકરી દાતાઓની નોંધણી કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૯૪ નોકરી દાતાઓ દ્વારા ૨૨૧૮ જેટલા યુવાન યુવતીઓને નોકરી આપીને આત્મનિર્ભર બનાવ્યા છે. ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાએ ૨૪ જેટલી સ્વરોજગાર શિબિરના સફળ આયોજન દ્વારા યુવાનોને રોજગાર લક્ષી કાર્યક્રમો અને યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. સાથે જ યુવાનોને રહેવા જમવાની સગવડ અને રૂ. ૩૦૦૦ સ્ટાઇપેન્ડ સાથે પૂર્વ સંરક્ષણ દળની નિશુલ્ક તાલીમ આપવામાં આવે છે.
જેનો ગત વર્ષે ૩૦ જેટલા યુવાનોએ લાભ લઇ લશ્કરી ક્ષેત્રે સેવા આપવા કટિબદ્ધ બન્યા છે. વધુમાં ધારાસભ્ય એ યુવાનોને પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, સ્ટુડન્ટ લોન, આઈ.ટી.આઈ વિવિધ કોર્સ થી માહિતગાર બનીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વિકસિત ભારતજ્ર૨૦૪૭ વિઝનને સાકાર કરવા અત્યાર થી આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી. ઉપરાંત વિશેષ કરીને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ મેળવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ઉમેદવારોએ પણ પોતાને મળેલ જોબ માટે આનંદ વ્યક્ત કર્યો હતો નડિયાદની મિલોનીબેન ભટ્ટને જુનિયર ક્લાર્ક (કરાર આધારિત) અને મિહિર સોલંકીને કેમિસ્ટની જોબ મળેલ છે, તેઓએ અન્ય યુવાનોને પણ રોજગાર ભરતી મેળાનો લાભ લેવાની અપીલ કરી હતી રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કરી ઉપસ્થિત સૌને રોજગાર મેળામાં આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મનપા કમિશનર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જનરલ મેનેજર સાજેદા સબાસરા, રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર ડો. એસ.એસ. ખંડેવાલ, નોડલ આઈ.ટી.આઈ પ્રિન્સીપાલ, નોકરી દાતાઓ અને ૫૯૧ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.