30 વર્ષ જૂનું શોપિંગ કોમ્પલેક્ષ તોડી પડાતાં દુકાનદારો મુશ્કેલીમાં મૂકાયા

(પ્રતિનિધિ)ગોધરા, શહેરના મધ્યમો મધ્ય – તળાવકાંઠે વર્ષો પહેલાં બાંધવામાં આવેલું શોપિંગ કોમ્પલેક્ષ આજે નગરપાલિકાની કાર્યવાહીથી ભૂસ્તર કરવામાં આવ્યું છે. લગભગ ૩૦ વર્ષ પહેલાં નગર પંચાયતના સમયગાળામાં બનેલું આ કોમ્પલેક્ષ સમય જતાં જર્જરીત હાલતમાં પહોંચી ગયું હતું.
તળાવના સૌંદર્યીકરણ (બ્યુટિફિકેશન) પ્રોજેક્ટને લઈ હાલોલ નગરપાલિકા દ્વારા આજે આ શોપિંગ કોમ્પલેક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકાની મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર તેમજ તેમની ટીમે પોલીસ કાફલા સાથે બપોરના સમયે આ કાર્યવાહી આરંભતા દુકાનદારોમાં એક અચાનક ભયનો માહોલ સર્જાયો હતો.
દુકાનદારોના જણાવ્યા અનુસાર તેઓએ અનેક વખત રજૂઆતો કરી હતી અને સમય માંગ્યો હતો, પરંતુ નગરપાલિકા તરફથી કોઈ રજૂઆતને મંજૂરી આપવામાં આવી ન હતી. પાલિકા દ્વારા માત્ર થોડોક સમય આપી દુકાનદારોને પોતાનો સામાન ખસેડવાનો સંદેશ આપ્યો હતો.
ત્યારબાદ ત્રણ બુલડોઝર અને ટ્રેક્ટરોની મદદથી શોપિંગ કોમ્પલેક્ષને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દુકાનદારોનું આક્ષેપ છે કે તેઓને વિકલ્પ આપ્યા વગર તત્કાલ કાર્યવાહી શરૂ કરાઈ છે, જેને લઈને તેઓ હવે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.