ગુજરાતની આ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ATS અચાનક કેમ તપાસ માટે પહોંચી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના વેજલપુર રોડ પર ચિખોદરા ગામ નજીક આવેલી એક ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ATS દ્વારા અચાનક દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. “ગુજરાત ફાર્માસ્યુટિકલ” નામની આ કંપનીમાં ચોંકાવનારી કાર્યવાહી બપોરના સમય દરમિયાન શરૂ થઈ હતી અને માહિતી મુજબ એટીએસનું ઓપરેશન લગભગ બે કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એટીએસની ટીમે કંપનીમાં નિર્મિત થતી કેટલીક દવાઓના નમૂનાઓ મેળવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઉત્પાદિત દવાઓ અથવા તેના ઘટકોને લઈને કોઈ શંકાસ્પદ બાબતોના અનુસંધાનમાં આ તપાસ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલમાં આ દરોડા પાછળની ચોક્કસ કારણો અંગે કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી. સ્થાનિક પોલીસ તેમજ અન્ય તપાસ એજન્સીઓ પણ આ કાર્યવાહી સાથે જોડાયેલી છે કે કેમ, તેની પણ હજુ સુધી પુષ્ટિ થઇ નથી.
ચિખોદરા વિસ્તાર સહિત સમગ્ર ગોધરા શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં કૌતુહલ પ્રસરી ગયું છે કે શું કારણોસર આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે.
અધિકૃત સ્તરે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ બાબત ગંભીર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ વિગતોની પ્રતીક્ષા રહેલી છે.