૩.૫ કરોડ નોકરીઓનું સર્જન કરવા રૂ.૧.૦૭ લાખ કરોડની યોજનાને મંજૂરી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આગામી બે વર્ષમાં ૩.૫ કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે રૂ.૧.૦૭ કરોડની એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજનાને મંજૂરી અપાઈ છે.
આ યોજના હેઠળ કર્મચારીઓ તેમજ નોકરીદાતાઓ બંનેને પ્રોત્સાહનો અપાશે. પહેલી વખતના કર્મચારીઓને એક મહિનાનો પગાર (રૂ. ૧૫,૦૦૦ સુધી) મળશે, જ્યારે નોકરીદાતાઓને વધારાની રોજગારીના સર્જન બદલ બે વર્ષ માટે પ્રોત્સાહન અપાશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે બીજા બે વર્ષ માટે લાભો પણ મળશે.
ઈએલઆઈ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં પાંચ યોજનાઓના પેકેજના ભાગ રૂપે કરાઈ હતી. ૪.૧ કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો પૂરી પાડવા માટેની આ પાંચ યોજનાઓનો કુલ બજેટ ખર્ચ રૂ. ૨ લાખ કરોડ છે.
આ યોજનાના કુલમાંથી ૧.૯૨ કરોડ લાભાર્થીઓ પહેલી વાર નોકરી કરનારા હશે.આ યોજનાના લાભો ૧ ઓગસ્ટ, ૨૦૨૫ અને ૩૧ જુલાઈ, ૨૦૨૭ વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે. આ યોજનામાં બે ભાગ છે. ભાગ એ નવા કર્મચારીઓ પર કેન્દ્રિત છે અને ભાગ બી નોકરીદાતાઓ પર કેન્દ્રિત છે.
ઈપીએફઓમાં પહેલી વાર નોંધાયેલા કર્મચારીઓને લક્ષ્ય બનાવતા આ ભાગ એ હેઠળ બે હપ્તામાં રૂ.૧૫,૦૦૦ સુધીનો એક મહિનાનો પગાર અપાશે.
રૂ.૧ લાખ સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ પાત્ર રહેશે. પહેલો હપ્તો ૬ મહિનાની નોકરી પછી અને બીજો હપ્તો ૧૨ મહિનાની નોકરી અને કર્મચારી દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી ચૂકવવામાં આવશે. બચત કરવાની આદતને પ્રોત્સાહન આપવા માટે પગારનો એક હિસ્સો ડિપોઝિટ ખાતામાં નિશ્ચિત સમયગાળા માટે રખાશે અને કર્મચારી પછીની તારીખે ઉપાડી શકશે.
ભાગ બી હેઠળ તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીના સર્જન બદલ પ્રોત્સાહન મળશે.સરકાર દરેક વધારાની નોકરી માટે એમ્પ્લોયરને દર મહિને રૂ.૩,૦૦૦ સુધીનું પ્રોત્સાહન આપશે. જોકે આ નોકરી ઓછામાં ઓછા ૨ વર્ષ માટેની હોવી જોઇએ.
મેન્યુફેક્ચિંગ ક્ષેત્ર આ પ્રોત્સાહનો ત્રીજા અને ચોથા વર્ષ સુધી પણ લંબાવાશે. ઈપીએફઓમાં રજિસ્ટ્રેશન અને ૫૦થી ઓછા કર્મચારીઓ ધરાવતા ઉદ્યોગોએ ઓછામાં ઓછા છ મહિના માટે સતત ન્યૂનતમ બે વધારાના કર્મચારીની અને ૫૦થી વધુ કર્મચારી ધરાવતા ઉદ્યોગોએ પાંચ વધારાના કર્મચારીઓની ભરતી કરવી પડશે.SS1MS