સુરતના ગોલવાડમાં બે માળનું મકાન ધરાશાયી, બે મહિલાઓનો બચાવ

સુરત, સુરતનાં કોટ વિસ્તારમાં વધુ એક વખત જર્જરિત મકાન ધરાશાયી થતાં દોડધામ મચી છે. શહેરના કોટ વિસ્તારમાં આવેલા ગોલવાડમાં બે માળનું મકાન બેસી જતા ફાયર બ્રિગેડે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓને રેસક્યુ કરી બચાવી લીધા હતા.
પાલિકાની ટીમ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચ્યા બાદ કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષાેથી જર્જરિત થઈ ચુકેલી ઈમારત અંગે સેન્ટ્રલ ઝોન દ્વારા ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોનમાં આવેલા ગોલવાડ ખાતે પાંચભીત શેરીમાં આજે બે માળનું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા ઘણા સમયથી પડવાના વાંકે ઉભેલું મકાન આજે ધરાશાયી થતાં તેમાં વસવાટ કરતાં ચાર રહીશોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘસી ગયો હતો. તાત્કાલિક મકાનનાં કાટમાળમાં ફસાયેલા ૪૦ વર્ષીય વસીમ અબ્દુલ રઝાક શેખનું રેસક્યુ હાથ ધર્યું હતું જેને પગના ભાગે ઈજા પહોંચતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સિવાય મકાનમાં જ વસવાટ કરતી બે મહિલાઓ ચેતનાબેન અજીતકુમાર ઝવેરી અને ચંદ્રાબેન વસંતલાલ ઝવેરી સહિત ત્રણ સમયસુચકતા વાપરીને બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. હોનારતમાં એક બાઇકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
પાલિકાનાં સેન્ટ્રલ ઝોનની ટીમ પણ ઘટના સ્થળે ગઈ હતી. હાલ જમીનદોસ્ત થઈ ચુકેલા મકાનનાં કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા આ મકાનનાં માલિકને ત્રણ – ત્રણ વખત નોટિસ પાઠવવા છતાં પણ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ ઘટનાને પગલે શહેરમાં જર્જરિત અને બિસ્માર બિલ્ડીંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, આવી ઇમારતોમાં લોકો પોતાના જીવના જોખમે જીવન ગુજારી રહ્યા છે.SS1MS