Western Times News

Gujarati News

વડોદરામાં કાર્યરત છે સમગ્ર એશિયાની એક માત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી

સહકારી પ્રવૃત્તિ થકી જ્ઞાન વિસ્તારનો ૧૦૧ વર્ષ જૂનો માર્ગ

વડોદરા રાજ્યમાં ૧૯૧૦માં લાયબ્રેરી ડિપાર્ટમેન્ટની સ્થાપના બાદ ૧૯૨૪માં સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી સ્થાપાયું ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ-ગુજરાત રાજ્યના ૧૨૦૦થી પણ વધુ જાહેર ગ્રંથાલયો સંસ્થાગત રીતે આ મંડળના છે સભાસદ, ૭૨૫થી વધુ પુસ્તકોનું કર્યું પ્રકાશન

જ્ઞાનપિપાસુની તૃષા તૃપ્ત કરતું પુસ્તકાલય એવું પરબ છે, જ્યાં વાંચકના જીવનને નવો દ્રષ્ટિકોણ મળે છે. સમગ્ર વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે પુસ્તકાલય પ્રવૃત્તિ વિસ્તરી રહી છે અને વાંચનવૃત્તિનો વિકાસ જ ગુજરાતને સંસ્કાર સમૃદ્ધ બનાવે છે. તેમાં સરકારી ઉપરાંત અનુદાનિત ગ્રંથાલયોનું મહત્વનું યોગદાન છે. ગ્રંથાલયોની વાત આવી એટલે એક વાત જાણીને આશ્ચર્ય થશે કે એશિયાની એક માત્ર એવી પુસ્તકાલયોની સહકારી મંડળી વડોદરામાં કાર્યરત છે.

વડોદરા રાજ્યના આર્ષદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડે તેમના શાસન વિસ્તારમાં વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે ૧૯૧૦માં અલાયદા લાયબ્રેરી ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી હતી. એ જ વર્ષમાં વડોદરામાં ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ લાયબ્રેરી કાર્યરત થઇ હતી.

વડોદરા રાજ્યમાં ૧૯૪૭ સુધીમાં ૨૩૦૦ જેટલા પુસ્તકાલયો હતા. ૧૯૧૧માં વડનગર અને એ બાદના વર્ષોમાં અમરેલી, નવસારી,  કડી, ઓખા, ડભોઇ, શિનોર, વિસનગર, વરણામા, પલાણા, વસો, ધર્મજ, ઉંઝા, વાઘોડિયા, બિલિમોરા, મહેસાણા, વ્યારા, વિજાપુર, સોજીત્રા, કરનાળી, કરજણ, સંખેડામાં પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. ૧૯૨૫માં ૪ પ્રાંત પુસ્તકાલય, ૪૩૩ કસ્બાના પુસ્તકાલય, ૬૧૮ સાર્વજનિક પુસ્તકાલય ૮૭ વાંચનાલય, ૮૪ વિશાળ ખંડોના સાથેના પુસ્તકાલય હોવાનું આર્ટ હિસ્ટોરિયન શ્રી ચંદ્રશેખર પાટીલ નોંધે છે.

૧૯૨૫ સુધીમાં સેન્ટ્રલ લાયબ્રેરીમાં ૧.૦૫ લાખ પુસ્તકો હતા અને વડોદરા રાજ્યની અન્ય લાયબ્રેરીઓમાં કુલ મળી ૩.૭૮ લાખ પુસ્તકો હતા. વડોદરા રાજ્યની ૭૦ ટકા સુધીની વસ્તી સુધી પુસ્તકાલયનો લાભ મળ્યો હતો. સેન્ટ્રલ લાયબ્રેરીમાં મહિલાઓ માટે અલગ રિડિંગ રૂમ હતા.

આટલી બધી લાયબ્રેરીઓ હોવાના કારણે તેના સંકલિત વહીવટી માટે સર સયાજીરાવ ગાયકવાડે ૧૯૨૪માં પુસ્તકાલયોની સહકારી મંડળી સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી. ચરોતરના મોતી તરીકે ઓળખાતા મોતીભાઇ અમીનના સક્રીય પ્રયાસોથી ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. જેના સભાસદો તરીકે પુસ્તકાલયોને જોડવામાં આવ્યા હતા. આ મંડળના પ્રથમ પ્રમુખ તરીકે ચુનિલાલ પુરુષોત્તદાસ શાહ બન્યા. વડોદરા રાજ્યના અમલદાર તરીકે નિવૃત્ત થયા બાદ મોતીભાઇ પ્રમુખ બન્યા હતા.

આ સહકારી મંડળીમાં વ્યક્તિ નહી પણ, જાહેર પુસ્તકાલય સભાસદ બની શકે છે. મોટાભાગના લેખકો, પ્રતિષ્ઠિત પ્રકાશકોના પુસ્તકો એક જ સ્થળેથી મળી રહે એ ઉપરાંત ગ્રંથાલયોની જરૂરી સ્ટેશનરી મળી એવા હેતુંથી સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં ૧૨૦૦થી વધુ જાહેર ગ્રંથાલયો આ મંડળીના સભાસદો છે. તેમ પ્રમુખ શ્રી ઠાકોરભાઇ પટેલ કહે છે.

સહકારી પ્રવૃત્તિ થકી જ્ઞાન વિસ્તારનો આ માર્ગ ૧૦૧ વર્ષ જૂનો છે. આ મંડળે ૭૨૫થી વધુ પુસ્તકોનું પ્રકાશન આ મંડળે કર્યું છે. જેમના પુસ્તક કોઇ પ્રકાશક છાપવા માટે તૈયાર નહોતા થતાં તેવા પ્રસિદ્ધ લેખકોના પ્રથમ પુસ્તકનું પ્રકાશન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં પૂ. યોગેશ્વર, બાબુભાઇ પ્રે. વૈદ્ય, માધવ મો. ચૌધરી, નવનીત જે. સેવક, રસિક મહેતા, જયંતી દલાલ, ગુણવંત ભટ્ટ, ખલીલ ધનતેજવી જેવા લેખકો, કવિઓના પ્રથમ પુસ્તકનું પ્રકાશન કરાયું છે. શ્રી ડોંગરેજી મહારાજના શ્રીમદ્દ ભાગવત રહસ્યનું વિક્રમ સમાન ૨૦થી વધુ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે.

હાલમાં વડોદરા શહેરમાં સંસ્થા વસાહત ખાતે કાર્યરત આ મંડળ દ્વારા પુસ્તકોનું વેંચાણ કરવામાં આવે છે. જેમાં કાયમી ધોરણે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન વધારાના ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મંડળ દ્વારા પ્રતિ વર્ષ શિષ્ટ વાંચન પરીક્ષા પણ યોજવામાં આવે છે. કેરળમાં લેખકોની સહકારી મંડળી છે, પણ પુસ્તકાલયોની સહકારી મંડળી એક માત્ર વડોદરામાં છે. આલેખન – દર્શન ત્રિવેદી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.