વરસાદથી બાજરી સહિત ઘાસચારાને નુકશાનઃ પશુપાલકોની હાલત કફોડી

ડીસા, લાખણી સહિત જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી સતત ઝરમરીયા વરસાદથી બાજરી સહિત ઘાસચારાને વ્યાપક નુકશાન થયું છે.જેથી ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. આ વખતે જિલ્લામાં વહેલો વરસાદ થયો છે. તેમાં પણ જૂન મહિનામાં વર્ષો પછી વધુ વરસાદ થયો છે.
ખેડૂતો બાજરી સહિત ઉનાળુ પાકો લેવાની તૈયારી કરતા હતા તે સમયે જ છેલ્લા પંદરેક દિવસથી સતત વરસાદ વરસે છે. તેથી ખેતરોમાં કાપણી કરેલ બાજરી કોહવાઈ ગઈ છે જ્યારે ઉભી બાજરીના દાણા પણ કાળા પડી ગયા છે. સતત વહેલા વરસાદથી ઘાસચારો પણ સડી ગયો છે. તેથી ખેડૂતો સાથે પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે.
તેમ છતાં આજે થોડોઘણો ઉઘાડ નીકળતા ખેડૂતો વધ્યો ઘટ્યો બાજરીનો પાક લેવા લાગ્યા છે પણ હજી વરસાદ થવાની આગાહી છે. તેથી ખેડૂતો માટે ઉનાળુ સિઝન નિષ્ફળ નીવડી છે. જેને લઈ સરકાર નુકશાનનું વળતર ચૂકવે તો દેવામાં ડૂબેલા ખેડૂતો ચોમાસુ વાવેતર કરી શકે તેમ છે. જેથી ખેડૂત આલમમાંથી વળતર ચુકવવાની માંગ ઉઠવા પામી છે.
હવામાન વિભાગની આગાહી; હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતાં રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે.જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ 3 થી 6 જુલાઈ દરમિયાન ભારે વરસાદ થવાની શકયતા છે.