મુખ્યમંત્રી રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરી દીધી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંય મોટા ગાબડા પડી છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવાના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહત બચાવ, જળાશયોની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. આ સિવાય આ બેઠકમાં રાજ્યમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઇ હતી.
મુખ્યમંત્રી રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ મંત્રીઓએને પોતાના પ્રભારી વિસ્તારમાં રોડ રસ્તા, અને ખાડાની કામગીરીને પ્રાધાન્ય આપવા સૂચન કર્યું હતું. સાથે જ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મૂજબ રાજ્યના ખરાબ રસ્તાઓને લઈને કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો, ત્યાર બાદ હવે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં ખાડારાજ અંગે અધિકારીઓને કડક સુચના આપી છે, અને રસ્તાઓનું તાતત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યો છે.