Western Times News

Gujarati News

૭૦% મુસ્લિમ વસ્તી ધરાવતા કઝાકિસ્તાનમાં બુરખા પર પ્રતિબંધ

પ્રતિકાત્મક

કઝાકિસ્તાનમાં જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂક્્યો છે, જેને રાષ્ટ્રપતિ ટોકાયેવે મંજૂરી આપી છે

કઝાકિસ્તાન,  મહિલાઓ હવે જાહેર સ્થળોએ નકાબ કે ચહેરો સંપૂર્ણપણે ઢાંકતા કપડાં પહેરી શકશે નહીં. રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવે સોમવારે આ નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા.

આ કાયદો તમામ નાગરિકોને જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકે છે. આ નિર્ણયની ખાસ વાત એ છે કે કઝાકિસ્તાનની ૭૦ ટકા વસ્તી મુસ્લિમ છે અને ઇસ્લામમાં મહિલાઓ માટે હિજાબ કે નકાબ પહેરવાની પરંપરા છે. જોકે, સરકારે તેના કાયદામાં કોઈ ધર્મ કે ધાર્મિક પોશાકનો સીધો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ તેમ છતાં, એવું માનવામાં આવે છે કે આ નિયમ ખાસ કરીને ધાર્મિક પોશાકને અસર કરી શકે છે. આ કાયદામાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ બીમાર હોય, હવામાન ખૂબ ખરાબ હોય, રમતગમત કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તો આવા કિસ્સાઓમાં ચહેરો ઢાંકવાની મંજૂરી આપવામાં આવશે.

કઝાકિસ્તાન પહેલા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા કેટલાક અન્ય દેશોએ પણ નકાબ અથવા બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્્યો છે. હવે કઝાકિસ્તાને પણ તે દેશોના રસ્તે ચાલ્યું છે. સરકારના આ નિર્ણય પર ત્યાંના ધાર્મિક સંગઠનો તરફથી પ્રતિક્રિયા આવવાની શક્યતા છે.

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ટોકાયેવે ચહેરો ઢાંકવા અંગેના નવા કાયદાને દેશની પરંપરાગત ઓળખને પ્રોત્સાહન આપતો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ચહેરો ઢાંકતા કપડાંને બદલે, લોકોએ દેશના પરંપરાગત કપડાં પહેરવા જોઈએ, જે આપણી સંસ્કૃતિને સારી રીતે દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું કે દેશની બિનસાંપ્રદાયિકતા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. અગાઉ, ૨૦૨૩ માં, સરકારે શાળાઓમાં હિજાબ અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્્યો હતો. ઘણી છોકરીઓએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.