હોટેલમાંથી ૧૭.૨૧ લાખના હેરોઈન સાથે બે શખ્સો ઝડપાયા

(એજન્સી)ભૂજ, કચ્છમાં માદક પદાર્થોની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. જિલ્લામાં અવારનવાર ડ્રગ્સના પેકેટો ઝડપાવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે ગાંધીધામમાં હેરોઈન વેચવા આવેલા બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યાં છે. બંને પરપ્રાંતિય શખ્સોને ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બે દિવસ પહેલા પણ એક મહિલાને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના ગાંધીધામમાં ૩૪.૪૩ ગ્રામ હેરોઈન ઝડપાયું છે. ખાનગી હોટેલમાં રોકાયેલા બે શખ્સોને ૧૭.૨૧ લાખના હેરોઈન સાથે પકડી લેવાયા હતાં.
પોલીસે આરોપી ગુરુદેવ જટ અને ઇકબાલ લઘડ નામના પરપ્રાંતિય શખ્સોની ધરપકડ કરી છે. સમગ્ર કેસમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છના ભુજમાં બે દિવસ પહેલા એમડી ડ્રગ્સ સાથે એક મહિલા ઝડપાઈ હતી. ૨.૫ એમડી ડ્રગ્સ સાથે ભુજ એસઓજી પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. મહિલા વિરૂદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લામાં વધી રહેલી માદક દ્વવ્યોની હેરાફેરી પોલીસ માટે પડકાર બની રહી છે. અવારનવાર જિલ્લામાંથી માદક દ્વવ્યોનો જથ્થો પકડાતો રહે છે.