Western Times News

Gujarati News

સોનિયા-રાહુલ ગાંધીએ રૂ.૨૦૦૦ કરોડની સંપત્તિ હડપવાનું ષડયંત્ર રચ્યું હતું: ED

File Photo

નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણીમાં ઈડીનો દાવો

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં દાવો કરાયો છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હડપવાનું ષડયંત્ર રચ્યું હતું.

ઈડી તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ વી. રાજૂએ દાવો કર્યો કે, કોંગ્રેસ પાર્ટી ઍસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હડપવા માંગતી હતી.

ઈડીના વકીલે દલીલ કરી કે, કોંગ્રેસ પાસેથી લીધેલા ૯૦ કરોડ રૂપિયાના દેવાની ભરપાઈ કરવા માટે ૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હડપ કરવા માટે, યંગ ઇન્ડિયન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો ૭૬% હિસ્સો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહેવાથી એજેએલને જાહેરાતના નાણાં પણ અપાયા હતા અને તે બનાવટી કંપનીથી જે આવક થઈ, તે ગુનાની કમાણી હતી.

૨૧ મેની સુનાવણી વખતે ઈડીએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મની લોન્ડ્રી દ્વારા ૧૪૨ કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે. ઈડીએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળની ફરિયાદમાં સોનિયાગાંધીને આરોપી નંબર-૧ અને રાહુલ ગાંધીને આરોપી નંબર-૨ દર્શાવ્યા છે. આ ઉપરાંત અન્ય પાંચ લોકોને પણ કેસમાં આરોપી બનાવ્યા છે.

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કેસમાં મુખ્ય આરોપી છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગ આ હાઇપ્રોફાઇલ કેસની સુનાવણી કરી રહ્યા છે.

એજેએલ નેશનલ હેરાલ્ડ સમાચાર પત્ર પ્રકાશિત કરતું હતું, તેની સ્થાપના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કરી હતી. નેશનલ હેરાલ્ડ, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઈન્ડિયનનો મામલો યંગ ઈન્ડિયાના માલિકો અને મોટાભાગના શેર ધારકો દ્વારા એજેએલની ૨૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ગેરકાયદેસર રીતે હાંસલ કરવા માટે રચવામાં આવેલ ષડયંત્ર સાથે સંકળાયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.