Western Times News

Gujarati News

પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

મુંબઈ/ભુવનેશ્વર, દેશમાં ચોમાસુ બરોબર જામ્યું છે ત્યારે આગામી દિવસોમાં પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનમાં પણ સર્ક્યુલર સિસ્ટમને લીધે ભારે વરસાદની શક્યતા રહેલી છે.

આઈએમડીએ કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્રના પર્વતીય ઘાટ ધરાવતા ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યાે છે. જ્યારે પુને નજીકના ઘાટની આસપાસના ક્ષેત્રો માટે રેડ એલર્ટ આપ્યો છે.

અહીંના પર્વતીય વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાવાની સંભાવના છે. કોંકણના કાંઠા વિસ્તારો પાલઘર, થાણે, મુંબઈ શહેર અને પરા વિસ્તાર, રાયગઢ, રત્નાગિરી તથા સિંધુદુર્ગ જિલ્લાઓને મેઘરાજા તરબોળ કરી શકે છે. નાશિક, સતારા અને કોલ્હાપુર જિલ્લાના ઘાટ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.

ગુજરાત અને રાજસ્થાનના ક્ષેત્રોમાં હવાનું હળવું દબાણ સર્જાતા મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સર્ક્યુલર સિસ્ટમ સક્રિય છે. પશ્ચિમ રાજસ્થાનમાં જોધપુર તથા બિકાનેરમાં ભારે વરસાદ પડી શકે છે. બુધવારે ૨૪ કલાકમાં રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ખાનપુરમાં સર્વાધિક ૧૯૯ એમ.એમ. વરસાદ નોંધાયો હતો.

ઓડિશામાં કેઓઝર જિલ્લામાં ભૂસ્ખલનના બનાવમાં મેંગેનિઝનું ગેરકાયદે ખનન કરતી ખાણમાં ૧૮થી ૩૨ વર્ષની વચ્ચેના ત્રણ મજૂરોનાં મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. હિમાચલમાં મેઘરાજાનેં રૌદ્ર રૂપ જોવા મળ્યું છે.

મંગળવારે મંડી જિલ્લામાં સંખ્યાબંધ ગામોમાં આભ ફાટવાના બનાવો બન્યા હતા. બુધવાર સુધીમાં વધુ છ લાશો પ્રાપ્ત થતા મૃત્યુઆંક વધીને ૧૧ થયો હતો. અધિકારીઓના મતે હજુ લાપતા ૩૪ લોકોની શોધખોળ ચાલુ છે.

હિમાચલના મુખ્યમંત્રી શુખવિંદર સિંઘ સુખુએ ધરમપુરના સ્યાથી ગામમાં પ્રભાવિત વિસ્તાર લૌંગાણી પંચાયતની મુલાકાત લીધી હતી અને ક્ષતિગ્રસ્ત મકાનોના પુનઃનિર્માણ, માલ-ઢોર નુકસાન માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.