Western Times News

Gujarati News

ફોન ટેપિંગ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘનઃ મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો

ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે ફોન ટેપિંગને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવતો ચુકાદો જાહેર કર્યાે હતો. ઉચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે, જ્યાં સુધી કાયદાકીય રીતે સ્થાપિત પ્રક્રિયા હેઠળ ફોન ટેપિંગને યોગ્ય ના ઠેરવવામાં આવે ત્યાં સુધી તે પ્રાઇવસીનું ઉલ્લંઘન છે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એન આનંદ વેકંટેશે જણાવ્યું કે, ગોપનીયતાનો અધિકાર હવે બંધારણના અનુચ્છેદ-૨૧ અંતર્ગત જીવવાનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાની ખાતરીનો અભિન્ન હિસ્સો છે. વધુમાં જજે ઉમેર્યું કે, ટેલિગ્રાફ કાયદાની કલમ ૫(૨) જાહેર કટોકટીની પરિસ્થિતિમાં અથવા સુરક્ષાના હિતને ધ્યાનમાં રાખીને ફોન ટેપિંગની સત્તા આપે છે.

આ બંને પરિસ્થિતિ ગુપ્ત સ્થિતિ ના કહેવાય અને વ્યક્તિ માટે આ પૈકી કોઈ એક સ્થિતિ સ્પષ્ટ લાગુ થતી હોય છે. એવરોન એજ્યુકેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પી કિશોરે દાખલ કરાયેલી અરજીને સ્વીકારતા જજે કેન્દ્ર સરકારના આદેશને રદ કર્યાે હતો.

કેન્દ્ર સરકારે આયકર વિભાગના સહાયક કમિશ્નરની સંડોવણી ધરાવતા લાંચ અને ભ્રષ્ટાચાર કેસના સંદર્ભમાં અરજદારનો મોબાઈલ ટેપિંગનો આદેશ આપ્યો હતો.

આ કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યું હતું. આ કેસમાં ઓગસ્ટ ૨૦૧૧ના કેન્દ્ર દ્વારા અપાયેલો આદેશ જાહેર કટોકટી કે સુરક્ષાના દાયરામાં આવતો નહીં હોવાનું કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

જજે વધુમાં જણાવ્યું કે, સત્તાધીશોએ નિયત સમયમર્યાદામાં રિવ્યુ કમિટી સમક્ષ ટેપ કરેલી સામગ્રી રજૂ નહીં કરીને ટેલિગ્રાફ કાયદાના નિયમ ૪૧૯-એ(૧૭)નું પણ ઉલ્લંઘન કર્યું હતું.

ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ઉપરોક્ત નિર્દેશોથી સ્પષ્ટ થાય છે કે સીબીઆઈ દ્વારા ઇન્ટરસેપ્ટેડ કોલ રેકોડ્‌ર્સ બાદ એકત્રિત કરાયેલી અન્ય સામગ્રી ઉપર કોઈ પ્રભાવ નહીં પડે અને ટ્રાયલ કોર્ટ આદેશના અવલોકનોથી પ્રભાવિત થયા વિના પોતાની રીતે પુરાવાના ગુણ નક્કી કરી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.