કોઇ અમને ઓળખી ન શકે એવી જગ્યાએ ફરવા જવું છે: સલમાન

મુંબઈ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ખાન ત્રિપુટી અને તેમની વચ્ચેની દોસ્તીની હંમેશા ચર્ચા થતી રહે છે, તેમના એકસાથે કાસ્ટિંગ અંગે પણ ઘણા ફૅન્સ માગણી કરતા રહે છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પણ આમિરે ખાને કહ્યું હતું કે તેઓ ત્રણેય એકબીજાના ઘેર બેઠક કરતા હોય છે. ત્યારે હવે સલમાને એવું કહ્યું છે કે તેઓ ત્રણેય એકસાથે ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે.
તેના માટે તેઓ કોઈ એવી જગ્યાની શોધમાં છે, જ્યાં તેમને કોઈ ઓળખે નહીં. તાજેતરમાં સલમાન ખાન નેટફ્લિક્સ પર કપિલ શર્માના શોમાં આવ્યો હતો. તેમાં સલમાને જણાવ્યું હતું કે ખરેખર તો આમિરનો આ વિચાર હતો કે તે સલમાન અને શાહરુખ સાથે ક્યાંક જવા માગે છે, જ્યાં તેમને કોઈ ઓળખે નહીં.
કપિલ શર્માને આ અંગે વાત કરતા સલમાને કહ્યું, “શાહરુખ, હું અને તેણે સાથે કોઈ એકાદી ટ્રીપ કરવી જોઈએ. તો અમે કંઈક વિચારી રહ્યા છીએ. એક એવી જગ્યા, જ્યાં અમને કોઈ ઓળખે નહીં.”જોકે, આ શો પર જજ તરીકે રહેતી અર્ચના પુરણસિંહે આ પ્રકારના કોઈ પ્લાન અંગે શંકાઓ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, “ મને નથી લાગતું આ ગ્રહ પર આવી કોઈ જગ્યા હોય.” તેણે કહ્યું હતું કે આ ત્રણ સ્ટાર દુનિયાભરમાં જાણીતા છે.
સલમાને ત્રણેય સાથે કોઈ ફિલ્મમાં કામ કરવાના હોવાની ચર્ચાઓ અંગે પણ વાત કરી હતી. કપિલે આમિરના તાજેતરના ત્રણેયની સાથે ફિલ્મ કરવા અંગેની વાત વિશે પણ સમાનને પૂછ્યું હતું કે તેઓ સાથે એક ફિલ્મમાં કામ કરવા માગે છે, તેમની શું ઇચ્છા છે અને તેના માટે યોગ્ય સ્ક્રીપ્ટ મેળવવામાં તેમની સામે શું પડકારો છે.
આ અંગે સલમાને બેફિકરો જવાબ આપ્યો હતો, “એમને પ્રયત્ન કરવા દો. જ્યારે થશે ત્યારે થશે.”સલમાને આમિરના ૬૦મના જન્મ દિવસના કાર્યક્રમ અંગે પણ વાત કરી હતી. તે એ વખતે આ પ્રકારની ફિલ્મ અંગે ઘણો ઉત્સાહીત હતો.
કારણ કે આમાં માત્ર જુના દિવસો યાદ કરવાની વાત નથી પરંતુ ત્રણે ખાને ક્યારેય સાથે કામ નથી કર્યું એ હકિકત પણ છે. આમિર અને સલમાને પણ છેક ૧૯૯૪માં ‘અંદાઝ અપના અપના’માં કામ કર્યું હતું, પરંતુ આમિર અને શાહરુખે ક્યારેય સાથે કામ કર્યું નથી.
જો શાહરુખ અને સલમાનની વાત કરવામાં આવે તો, તેઓ બંને ‘કરણ અર્જૂન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘હમ તુમ્હારે હે સનમ’ અને છેલ્લે ૨૦૨૩માં ‘પઠાણ’માં સાથે કામ કરી ચૂક્યા છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે પણ કહ્યું હતું કે ત્રણેયને અનુકૂળ આવે એવી ફિલ્મની સ્ક્રિપ્ટ મળવી એક ખરો પડકાર છે. છતાં આ ત્રણેય ક્યારેક સાથે કામ કરશે એ બાબતે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફૅન્સમાં આશા અને ઉત્સુકતા બંને છે, દરેકને લાગે છે કે આવી ફિલ્મ બને તો એ એક ઐતિહાસિક ફિલ્મ હશે.SS1MS