Western Times News

Gujarati News

મેં પણ સાંભળ્યું કે હવે અમારું ફાઇન ટ્યુનિંગ થઈ ગયું છે: સુનિલ શેટ્ટી

મુંબઈ, ‘હેરા ફેરી ૩’માંથી પરેશ રાવલની એક્ઝિટ આ ફિલ્મના દરેક ચાહક માટે એક મોટો આંચકો હતી. થોડાં વખત પહેલાં પરેશ રાવલે એક ઇન્ટરવ્યુમાં તેઓ બાબુ રાવનો રોલ કરીને અને એમાં એક કલાકાર તરીકે કશું નવું ન મળતાં કંટાળ્યા હોવાનું અને આ રોલ તેમના માટે ગળાનો ફંદો બની ગયો હોવાની વાત કરી હતી.

તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ આ રોલની છાપમાંથી બહાર નીકળવા માટે કેટલાક ડિરેક્ટરને નવી ફિલ્મ બનાવવા માટે મળ્યા પણ હતા. છતાં તેમણે જ્યારે આ ફિલ્મ છોડી ત્યારે ઘણાને ખરાબ લાગ્યું હતું. પરેશ રાવલ પર અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસે નુકલાનીનો દાવો પણ માંડ્યો હતો. બંને કોર્ટમાં લડત માટે તૈયાર થઈ ગયા હતા.

બીજી તરફ બાબુ રાવનો રોલ પંકજ ત્રિપાઠી કે સંજય મિશ્રામાંથી કોણ કરશે, તેની પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ત્યારે પરેશ રાવલે જ્યારે ફરી ફિલ્મમાં જોડાયાની વાત કરી ત્યારે આ ળેન્ચાઇઝીની ફિલ્મના દરેક ચાહકને આનંદ થયો હતો અને તેઓ ફરી ઉત્સાહમાં આવી ગયા હતા. તેણે કહ્યું હતું કે એકસાથે ઘણા ક્રિએટીવ લોકો ભેગાં થાય તો ઘણી વખત ફાઇન ટ્યુનિંગ થવામાં વાર લાગે છે.

પ્રિયદર્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની ત્રિપુટી ફરી જોવા મળશે. ત્યારે હવે સુનિલ શેટ્ટીએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. તાજેતરમાં સુનિલ શેટ્ટી સાઈ બાબાના દર્શને શિરડી ગયા હતા. ત્યારે એક ઇન્ટરવ્યુમાં સુનિલ શેટ્ટીએ પરેશ રાવલના પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, “હું પણ સાંભળું છું કે ફાઇન ટ્યુનિંગ થઈ ચુકી છે.

હવે તો ફિલ્મની રિલીઝ પછી જ વાત કરીશ, એના પહેલાં હેરા ફેરી વિશે વાત જ નહીં કરું.”ફિલ્મ વિશે વાત કરતા સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે હેરા ફેરી ૩માં તેનો આત્મા જળવાઈ રહેશે.

આ ફિલ્મ એવી હશે, જે બધાં એકસાથે બેસીને જોઈ શકે અને કોઈ ચિંતા વિના એકસાથે ખુલીને હસી શકે. સુનિલે કહ્યું, “આગળના બે ભાગની જેમ આ ફિલ્મ પણ એક પારિવારિક ફિલ્મ હશે, જે તમને હસાવશે અને તમે કોઈ ખચકાટ વિના પરિવાર સાથે બેસીને આ ફિલ્મ માણી શકશો. આ પરિવારની ફિલ્મ છે.

આ એવી ફિલ્મ છે, જો એક વાર તમે ટીવી ચાલુ કરો તો તમને ટેન્શન યાદ પણ નહીં આવે, તમને કોઈની સામે શરમ નહીં આવે. તમને ખબર છે કે લોકો માત્ર હસવાના જ છે. છૂપાઇને ટીવી કે પોન જોવાની જરૂર નહીં પડે.

પરિવારથી છુપાઈને કંઈ જોવું પડશે નહીં.”ફિલ્મમાં પાછા ફરવા અંગે પરેશ રાવલે પણ એક ઇન્ટરવ્યુમાં જ વાત કરી હતી, તેમણે અક્ષય કુમાર અને પ્રિયદર્શનના વખાણ કરતા કહ્યું, “ના કોઈ વિવાદ નથી. જ્યારે લોકોને કોઈ વાત બહુ ગમે તો તમારી જવાબદારી પણ વધી જતી હોય છે, તમારે વધારે મહેમત કરવી પડે છે.

બીજું કશું નહીં. હવે બધા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે. બધા ક્રિએટીવ લોકો છે અને ક્યારેક કલાકારોને ફાઇન ટ્યુનિંગની જરૂર પડે છે, એ હવે થઈ ગયું છે.” તેમણે છેલ્લે કહ્યું હતું, ઓલ ઈઝ વેલ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.