૩,૨૪૬ બાળકોએ ખાનગી શાળા છોડીને લીધો મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ

File Photo
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવની ફળશ્રુતિ-૩૨,૭૯૦ ભૂલકાંઓએ પકડ્યો શિક્ષણનો પંથ
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવની સફળતાને પગલે આ વર્ષે ૩૨,૭૯૦ બાળકો અને બાલિકાઓએ બાલવાટિકા તેમજ ધોરણ ૧માં પ્રવેશ મેળવ્યો છે.
૧૩,૬૬૮ બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ૬૮૧૮ દીકરાઓ અને ૬૮૫૦ દીકરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૯,૧૨૨ બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ મેળવ્યો જેમાં, ૯૫૭૪ દીકરાઓ અને ૯૫૪૮ દીકરીઓનો સમાવેશ થાય છે.
માત્ર એટલું જ નહીં, શાળા પ્રવેશોત્સવના પરિણામે ૩,૨૪૬ જેટલા બાળકોએ ખાનગી શાળા છોડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં ૧૭૦૬ દીકરાઓ અને ૧૫૪૦ દીકરીઓનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની અંગ્રેજી શાળામાં ૪૯૫ બાળકો, ઉર્દુ શાળામાં ૫૨ બાળકો, હિન્દી શાળામાં ૧૭૦ બાળકો અને ગુજરાતી શાળામાં ૨૫૨૯ બાળકોએ ખાનગી શાળા છોડી પ્રવેશ લીધો છે.