Western Times News

Gujarati News

M.S. સર્જન મહિલા તબીબ બન્યા સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામના સરપંચ

એકવીસમી સદીના ગ્રામ્ય ભારતની નવી ઓળખ – શિક્ષિત મહિલા નેતૃત્વ

ડો. જૈમિની જયસ્વાલ (સર્જન) સુશિક્ષિત મહિલા સરપંચ બનતા યથાર્થ મહિલા સશક્તિકરણ તબીબ તરીકે લોકોનું આરોગ્ય સારું કરવા મળ્યું, હવે સરપંચ તરીકે લોકોના જીવનમાં સારા પરિવર્તન માટે પ્રયત્નો કરીશ: સરપંચ ડો. જૈમિની જયસ્વાલ

“જ્યાં સંકલ્પ હોય, ત્યાં માર્ગ બને…” – આ વાત ચરિતાર્થ થઈ રહી છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાનકડા એવા અંતરિયાળ ગામ ઇન્દ્રાડના ચૂંટાયેલ સરપંચ ડો. જૈમિનિ જયસ્વાલ થકી. એક શિક્ષિત, સમર્થ અને સેવા ભાવનાથી ભરપૂર મહિલા ડો. જૈમિનિ જયસ્વાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ તરીકે વિજય મેળવી ઈતિહાસનું સર્જન કર્યું છે.

ડો. જૈમિનિ જયસ્વાલ એક પ્રતિષ્ઠિત ડર્મેટોલોજિસ્ટ અને સર્જન છે. એમ.બી.બી.એસ. થયા બાદ શહેરમાં પોતાના હોસ્પિટલ થકી સર્જન તરીકે લોકસેવા કરી રહ્યા હતા. દિવાળીનો સમય હતો અને જૈમિનીબેન પોતાના ગામ ઇન્દ્રાડમાં પરિવાર સાથે લોકોના ઘરે મળવા અને દિવાળીની મીઠાઈ આપવા જતા હતા. બન્યું એવું કે અસુવિધા જોઈ. અને ત્યારે તેમણે ખબર પડી કે તેમના જ ગામના લોકો કેટલીય પાયાની જરૂરિયાતોથી વંચિત છે. આજ તો સુખદ વળાંક હતો તેમના માટેનો પોતાના વતનના વિકાસની જવાબદારી ઉઠાવવાનો.

ત્યારબાદ ગામનું આયુષ્યમાન મંદિર, પ્રાથમિક શાળા, પંચાયત બિલ્ડિંગ, આંગણવાડી સહિત તમામ જાહેર જગ્યાઓના વિકાસના સંકલ્પ સાથે જૈમિનિબેને નક્કી કરી લીધું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવશે.

નસીબ જોગ થયું પણ એવું કે, ચૂંટણીમાં તેમના ગામમાં સરપંચની સીટ મહિલા ઉમેદવાર માટે અનામત હતી. જાણે કે આ બધીજ ઘટનાઓ તેમને સરપંચ બનવા તરફ દોરી લઈ જતી હતી. ચૂંટણીમાં પણ ગામના લોકોએ ભારે બહુમતીથી વોટ આપીને ભવ્ય વિજય આપ્યો છે ત્યારે એક સુશિક્ષિત મહિલા સરપંચ બનતા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ક્રાંતિ આવી રહી તેમ જણાય રહ્યું છે.

ડૉ. જૈમિનિબેન જયસ્વાલ જણાવે છે કે, મને ડૉક્ટર તરીકે લોકોનું આરોગ્ય સારું કરવા મળ્યું, હવે સરપંચ તરીકે તેમના જીવનની દિશા સુધારવાના મોકો મળ્યો છે- એ મારું સૌભાગ્ય છે. આ સાથે ગામમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી અને રોડ- રસ્તાના કામ પર ભાર મૂકશે.

વ્યવસાયિક રીતે ડર્મેટોલોજિસ્ટ સર્જન હોવા છતાં નેતૃત્વ ક્ષેત્રે ઝંપલાવવા વિશે ડૉ.જૈમિની જણાવે છે કે, પોતાના મમ્મી પપ્પા અને સાસરીમાં તેમનો પરિવાર લીડરશીપ રસ ધરાવતા હોવાથી તેમને નેતૃત્વના ગુણો વારસામાં મળ્યા છે. પોતે ક્યારેય સરપંચ બનવાનું વિચાર્યું ન હતું પરંતુ જ્યારે પોતાનો સમાજનો વિકાસ કરવાની તક મળી છે ત્યારે તેને ખૂબ જ સારી રીતે નિભાવીશ.

વધુમાં ઉમેરતાં જૈમીનીબેન જણાવે છે કે, રાજ્ય સરકારની સ્થાનિક સ્વરાજ્યમાં ૫૦ ટકા મહિલા અનામતની જોગવાઈને પણ ખુબજ અસસકારક બની રહી છે. આ સાથે મહિલાઓ શિક્ષીત બની ઘરની બહાર નીકળીને નેતૃત્વ કરતી થાય તેઓ આશાવાદ વ્યક્ત કર્યો છે.

સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં નેતૃત્વમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પ્રતિમાની જેમ હોય છે, પરંતુ ડૉ. જૈમિનીએ આ પરંપરાગત ધોરણોને પડકાર આપ્યો. તેમણે ચૂંટણી માટે પોતાનો પ્રચાર અભિયાન ખૂબ જ અસરકારક રીતે ચલાવ્યો હતો. તેમના વ્યાવસાયિક અનુભવ અને સેવાભાવના કારણે માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ ગામના તમામ વર્ગના મતદારોનો વિશ્વાસ તેઓ જીતી શક્યા.

ડો. જૈમિનિ જયસ્વાલનું સરપંચ બનવું એ માત્ર એક રાજકીય વિજય નહોતો, પણ એક માનસિક ક્રાંતિ હતી. તેમણે સાબિત કરી દીધું કે સમાજના વિકાસ માટે જ્યારે શિક્ષિત અને સજ્જ મહિલા નેતૃત્વ કરે છે, ત્યારે પરિવર્તન ખૂબ ઝડપથી અને સૂઝપૂર્વક આવે છે. ઇન્દ્રાડ ગામ આજે વડોદરા જિલ્લામાં મહિલા સશક્તિકરણની એક નવી દિશા તરફ પગલું ભરતા એક પ્રેરણાસ્ત્રોત તરીકે ઉભરાયું છે. આલેખન – શીતલ પરમાર

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.