ગાંધીનગર ખાતે “સ્ટેટ કન્વર્જન્સ કમિટી ઓન એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR)”ની બેઠક યોજાઈ

એન્ટિબાયોટિક દવાઓના ઉપયોગ અને રેઝિસ્ટન્સના વલણો પર સીમાચિહ્નરૂપ કામગીરીના અહેવાલોનું મુખ્ય સચિવશ્રીના હસ્તે વિમોચન
Gandhinagar, વિશ્વ અને રાજ્યકક્ષાએ ઊભરતી એન્ટિબાઓટીક રેઝિસ્ટન્સની સમસ્યા માટે કાર્યરત “સ્ટેટ કન્વર્જન્સ કમિટી ઓન એન્ટીમાઇક્રો બિયલ રેઝિસ્ટન્સ (AMR)”ની બીજી બેઠક ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ જોષીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાઈ હતી.
મુખ્ય સચિવશ્રીએ સ્ટેટ એક્શન પ્લાન ફોર કન્ટેઈનમેન ઓફ એન્ટિમાઈક્રોબિયલ (SAPCAR-G) હેઠળ રાજય સરકારે લીધેલાં વિવિધ પગલાંઓની સમીક્ષા અને ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે દર્શાવવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસોની બિરદાવીને ભારતના પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની અધ્યક્ષતામાં કાર્યરત વન હેલ્થ સ્ટીયરિંગ કમિટીમાં રાજ્યના સભ્ય તરીકેના યોગદાનને ઉજાગર કરતા સતત પ્રયાસો જાળવી રાખવા તેમણે પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે બે મહત્વપૂર્ણ રાજ્યસ્તરીય અહેવાલો – GUJSAR સર્વેલન્સ રિપોર્ટ અને એન્ટિબાયોટિક ઉપયોગ રિપોર્ટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા એન્ટીબાયોટિક દવાઓનો વપરાશ અને રેઝિસ્ટન્સનું સર્વેલન્સ કઈ રીતે અસરકારક કરી શકાય તેના માટે ભલામણ મળી હતી.
આ ઉપરાંત, એ.એમ.આર અને વન હેલ્થના ઉભરતાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને ગુજરાતની જાહેર આરોગ્ય સેવાઓના પ્રતિસાદને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિયમનાત્મક, સ્ટિવર્ડશિપ અને કન્વર્જન્સ આધારિત નિર્ણયો બેઠકમાં લેવાયા હતા.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશ્નર (અર્બન)શ્રી હર્ષદ પટેલ અને આરોગ્ય કમિશ્નર (રૂરલ) શ્રી રતનકુંવર ગઢવીચારણ સહિત કૃષિ, પશુપાલન, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને GPCB સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.