Western Times News

Gujarati News

4 જુલાઇના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ

  મુખ્યમંત્રીશ્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી થશે

રાજ્યમાં કુલ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેરનવા ચૂંટાયેલા 4876 સરપંચશ્રી તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતના 600 સભ્યો જોડાશે

 4 જુલાઇ2025ના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રી તથા સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 4876 સરપંચશ્રી તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થશે.

તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટ વર્ચ્યુઅલી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત સમરસ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી સિવાય પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ દીઠ પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવશે. તે સિવાય યોજનાકીય ગ્રાન્ટની જાહેરાત પણ કરવામાં આવશે. પ્રોત્સાહક અને વિવિધ યોજનાઓની ગ્રાન્ટ અંતર્ગત કુલ ₹1236 કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ પણ સામેલ થઇને પ્રેરક ઉદ્બોધન આપશે.

થીમ આધારિત પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોની યાદી

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસાધારણ કામગીરી બદલ અમુક ગ્રામ પંચાયતોને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ દીઠ પ્રથમ ક્રમાંક આપવામા આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જવાનપર ગામને “ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા ધરાવતી પંચાયત” તરીકે પસંદ કરાયું છે.

ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં આવેલ નાખડા ગામની “સ્વસ્થ પંચાયત” તરીકે પસંદગી થઇ છે. “બાળ મૈત્રીપૂર્ણ પંચાયત” તરીકે અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના કણિયાલ ગામની પસંદગી કરવામાં આવી છે. આણંદ તાલુકાના રાસનોલ ગામને “પર્યાપ્ત પાણી ધરાવતી પંચાયત” થીમમાં પ્રથમ ક્રમ મળ્યો છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા ભુણીંદ્રા ગામની “સ્વચ્છ અને હરિયાળી પંચાયત” તરીકે પસંદગી કરવામાં આવી છે. આણંદના સોજિત્રા તાલુકાની ત્રંબોવાડ ગ્રામ પંચાયતે “માળખાગત સુવિધા ધરાવતી પંચાયત” થીમમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની દાંતોલ ગ્રામ પંચાયતે “સામાજિક રીતે ન્યાયી અને સામાજિક રીતે સુરક્ષિત પંચાયત” થીમમાં શીર્ષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડોદરાના સાવલી તાલુકાના નરપુરા ગામને “સુશાસિત પંચાયત”ની થીમમાં સ્થાન પ્રાપ્ત થયું છે અને પંચમહાલના શહેરા તાલુકાના છોગાળા ગામને “મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત”ની થીમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.

સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયત ભાવનગરમાંમહિલા સમરસ ગ્રામ પંચયતોમાં મહેસાણા ટોચ પર

આ વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા 103 છેજે ભાવનગર જિલ્લામાં છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો સૌથી વધારે 9 ગ્રામ પંચાયત મહેસાણા જિલ્લામાં જાહેર કરવામાં આવી છે.

ટોપ 5 સમરસ ગ્રામ પંચાયતોમાં ભાવનગર બાદ મહેસાણા (90)પાટણ (70)બનાસકાંઠા (59) અને જામનગર (59)નો સમાવેશ થાય છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતોની ટોપ-5 યાદીમાં મહેસાણા (9)પાટણ (7)ભાવનગર (6)બનાસકાંઠા (6) અને વડોદરા (4) સામેલ છે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.