Western Times News

Gujarati News

અઘટિત માગણીને તાબે ન થતાં સગીરાની હત્યાનો પ્રયાસ કરનારાને સાત વર્ષની કેદ

અમદાવાદ, કણભા વિસ્તારમાં રહેતી સગીરાએ અઘટિત માગણીને તાબે થવા ઇનકાર કરતા યુવકે તેની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. આ કેસમાં ગ્રામ્ય પોક્સો કોર્ટના જજ બી.જી. અવસ્થીએ આરોપી યુવકને ૭ વર્ષની કેદની સજા ફટકારી છે.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આ કેસમાં રજૂ થયેલા પુરાવા ધ્યાને લેવાની સાથે પીડિતાની જુબાની ધ્યાને લેતા આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપીના તાબે ન થતા યુવકે બે વખત પ્રહાર કરી તેની હત્યાનો પ્રયાસ કર્યાે હતો ત્યારે આવા આરોપીઓ સામે દયા ન દાખવી શકાય.

કણભા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા ૧૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ઘરે એકલી હતી ત્યારે તેમના જ વિસ્તારમાં રહેતો હિરલ જગદીશભાઇ વાઘેલા તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો.

ત્યારબાદ સગીરાની છેડતી કરવા લાગ્યો હતો અને અઘટિત માગણી કરવા લાગ્યો હતો. જો કે, સગીરાએ ઇનકાર કરી દીધો હતો ત્યારે હિરલ ઉશ્કેરાઇ ગયો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ છતાં સગીરા તેને વશ ન થતા બાજુમાં પડેલી છરી વડે બે વખત તેના પર હુમલો કર્યાે હતો. જેમાં સગીરા લોહીલુહાણ થઇ ગઇ હતી.

તકનો લાભ લઇ આરોપી હિરલ પલાયન થઇ ગયો હતો. આ મામલે કણભા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને બીજા દિવસે ઝડપી લઇ તેની સામે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

આ કેસમાં સરકારી વકીલ ભરતસિંહ સી. રાઠોડે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીના વશ ન થનાર સગીરાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આરોપી સામે આખોય કેસ પુરવાર થાય છે, સગીરા સહિતના સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ.

બીજી તરફ, આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી.બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીને સાત વર્ષની સજા ફટકારી જેલના હવાલે મોકલી આપ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.