BRTSમાં 65 કે તેથી વર્ષથી વધુ વયની વ્યક્તિ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે

પ્રતિકાત્મક
નવા પાસ જનમાર્ગ/ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે કોમન રહેશે : દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ જનમાર્ગ લિમિટેડ માસિક, ત્રિ-માસિક , વાર્ષિક સહિતના કન્સેસન પાસ આપવામાં આવશે. આ પાસ ઝાંસી ની રાણી અને સોની ની ચાલ એમ બે સેન્ટર પરથી આપવામાં આવશે. નવા પાસ દિવ્યાંગો માટે બિલ્કુલ ફ્રી રહેશે જયારે સિનિયર સીટીઝન ની વય મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.આ પાસ જનમાર્ગ અને એ.એમ.ટી.એસ.માટે કોમન રહેશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ બી.આર.ટી.એસ નવા પાસ સ્ટુડન્ટ, માસિક- ત્રિમાસિક તેમજ અન્ય કેટેગરી પાસ ઝાંસીની રાણી અને સોની ની ચાલ એમ ૨ સ્ટેશનો પર રૂબરૂમાં ફોર્મ ભરી સંપર્ક કરી પાસ કેટેગરીની નિયત ફ્રી + કાર્ડ ફી રૂા. ૭૫ ભર્યેથી બી.આર.ટી.એસ ના નવા પાસ મળી શકશે.
નવા પાસ સવારે ૧૦ થી સાંજે ૬ સુધી મળી શકશે. જેના ફોર્મ હાથ થી ભરી આપવાની સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવાની વ્યવસ્થા પણ કરેલ છે.
પાસ નુ ફોર્મ QR CODEથી ઓનલાઈન પણ ભરી શકાશે. આ પાસ ધરાવનાર સિનિયર સીટીઝન અને દિવ્યાંગ વ્યક્તિ ને એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ. એમ બંને જાહેર પરિવહન સેવા નો લાભ મળશે.
આ ઉપરાંત અગાઉ દિવ્યાંગ વ્યક્તિ ને 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું હવે તે સંપૂર્ણપણે વિના મૂલ્યે મુસાફરી કરી શકશે તેમજ હાલ સિનિયર વ્યક્તિ માટે 75 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે તે ઘટાડીને 65 વર્ષ કરવામાં આવશે.આ પાસ જનમાર્ગ લિમિટેડ ઘ્વારા નક્કી કરવામાં આવેલા બે કેન્દ્રો પરથી મળી શકશે.
સિનિયર સીટીઝન અને દિવ્યાંગ વ્યક્તિ ને તેમના વોર્ડમાં થી જ પાસ મળી રહે તેવી વ્યવસ્થા થઈ શકે છે આ ઉપરાંત ભવિષ્યમાં જનમાર્ગ અને ટ્રાન્સપોર્ટ સર્વિસ ઘ્વારા કોમન પાસ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.