ગુજરાતનો સૌથી જૂનો સ્પેસીફાઈડ ડેમ રાજકોટના કોટડા ગામ પાસે સુખ ભાદર નદી પરનો પનેલીયા ડેમ

પ્રતિકાત્મક
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રૂ. ૬૯૯ કરોડના ખર્ચે વિવિધ ડેમના મરામત અને જાળવણીના કામો કરાયા
*ચાલુ વર્ષે ડેમ સેફ્ટી ઓથોરિટીના માર્ગદર્શનમાં વધુ રૂ. ૫૦૧ કરોડના ખર્ચે રાજ્યના વિવિધ ડેમ-જળાશયોની મરામતની કામગીરી હાથ ધરાશે*
Ø જળ સંપત્તિ વિભાગ હેઠળ ૧૯ મોટા, ૯૦ મધ્યમ અને ૧૦૦૬ નાના ડેમ મળી કુલ ૧૧૧૫ ડેમ
Ø નવાગામ પાસે આવેલ સરદાર સરોવર ડેમ ગુજરાતનો સૌથી નવો સ્પેસીફાઈડ ડેમ
Ahmedabad, કોઇપણ રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇ માટે ડેમ-જળાશયો સૌથી મહત્વનો સ્ત્રોત-માધ્યમ છે ત્યારે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ સમયાંતરે તેની મરામત-જાળવણી કરવી જરૂરી છે. નેશનલ ડેમ સેફ્ટી અંતર્ગત ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સિંચાઇ યોજનાઓમાં રૂ.૩૩૩ કરોડના ખર્ચે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૩૬૬ કરોડ એમ કુલ રૂ. ૬૯૯ કરોડના ખર્ચે ડેમ-જળાશયોની મરામત અને જાળવણીના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં સિંચાઇ યોજનાઓમાં રૂ.૫૦૧ કરોડના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ માટે રાજ્યના બજેટમાં રૂ. ૫૦૧ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ કામગીરીઓમાં ડેમના દરવાજાનું કલર કામ, સ્પિલ વે મરામત, માટી પાળાની મરામત, સિક્યોરિટી કેબીનના કામ તેમજ ડેમ સેફ્ટી સંબંધિત અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટેશનના કાર્યો વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ ૧૯ મોટા, ૯૦ મધ્યમ અને ૧૦૦૬ નાના ડેમ મળી કુલ ૧૧૧૫ ડેમ આવેલા છે, જેમાંથી ૫૨૪ સ્પેસીફાઈડ ડેમ, જે પૈકી અન્ય વિભાગના ૧૦ સ્પેસીફાઈડ ડેમ છે. આ સ્પેસીફાઈડ ડેમને ડેમ સેફ્ટી એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના કોટડા ગામ પાસે સુખ ભાદર નદી પર આવેલ પનેલીયા ડેમ ગજરાતમાં સૌથી જુનો સ્પેસીફાઈડ ડેમ છે. આ ડેમ ૬૪૦ મીટર લાંબો અને ૧૧ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ડેમનો કેચમેન્ટ એરિયા ૨૫.૯૦ ચોરસ કિલોમીટર છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા ૩.૪૪ મિલિયન ઘનમીટર છે. જ્યારે નર્મદા જિલ્લાના નવાગામ પાસે આવેલ સરદાર સરોવર ડેમ ગુજરાત સૌથી નવો સ્પેસીફાઈડ ડેમ છે.
જળ સંપત્તિ વિભાગ દ્વારા કેન્દ્ર અને ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવતા બંધ સલામતીના કામોથી પાણીનો સંગ્રહ તેમજ સિંચાઇમાં સુદ્દઢતા આવે છે. સીપેજ દ્વારા થતા પાણીનો બગાડ ઓછો થવાથી કમાન્ડ વિસ્તારના ખેડૂત ખાતેદારોને સિંચાઇ માટે વધુ પાણી ઉપલબ્ધ થાય છે. બંધ-જળાશયોની મરામત કરવાથી તેની સુરક્ષા અને આયુષ્યમાં વધારો થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્તરે ડેમ સેફટી અંતર્ગતના કાર્યો માટે ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૧માં ડેમ સેફ્ટી એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ડેમ સેફ્ટી ઓથોરીટી (NDSA) અને નેશનલ કમિટી ડેમ સેફ્ટી (NCDS) અસ્તિત્વમાં આવી. જે અન્વયે નેશનલ કમિટી ડેમ સેફ્ટી (NCDS)ની મુખ્યત્વે કામગીરી ડેમ સલામતી માટેની નીતિઓ બનાવવી, જરૂરી નિયમોની ભલામણ કરવી, ડેમોની સલામતી ધોરણો નક્કી કરવાની છે. જ્યારે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરીટી (NDSA)ની મુખ્યત્વે કામગીરી નેશનલ કમિટી ડેમ સેફ્ટી (NCDS) દ્વારા ઘડાયેલ નીતિઓ, જરૂરી નિયમો અને ડેમ-જળાશયોની સલામતીના ધોરણોનું અમલીકરણ તેમજ મોનીટરીંગ કરવાનું છે.
આ ડેમ સેફ્ટી એક્ટ અંતર્ગત નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (GSDSO)ની વર્ષ-૨૦૨૨માં રચના કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે દરેક સ્પેસીફાઈડ ડેમના નિરીક્ષણ, સંચાલન, સર્વેલન્સ અને જાળવણી સંબંધિત કાર્યો કરવામાં આવે છે.
NDSAની માર્ગદર્શિકા મુજબ ડેમની સેફ્ટીને ધ્યાને લઇને રાજ્ય સ્તરે અમલીકરણ કરાવવું અને સમયાંતરે આ કામગીરીનું નેશનલ ડેમ સેફ્ટી ઓથોરીટી સમક્ષ મોનીટરીંગ કરાવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
ગુજરાતમાં આવેલા મુખ્ય સ્પેસીફાઈડ ડેમની વિગતો:-
· મોટા સ્પેસીફાઈડ ડેમ અંતર્ગત તાપી જિલ્લાના ઉકાઈ ગામ પાસે તાપી નદી પર આવેલ ઉકાઈ ડેમ ૪૯૨૭ મીટર લાંબો અને ૮૦.૫૮ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ડેમનો કેચમેન્ટ એરિયા ૬૨૨૨૫ ચોરસ કિલોમીટર છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા ૭૪૧૪.૨૯ મિલિયન ઘનમીટર છે.
· મહેસાણા જિલ્લાના ધરોઇ ગામ પાસે સાબરમતી નદી પર આવેલ ધરોઇ ડેમ ૧૨૦૭ મીટર લાંબો અને ૪૫.૮૭ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ડેમનો કેચમેન્ટ એરિયા ૫૪૭૫ ચોરસ કિલોમીટર છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા ૯૦૭.૮૮ મિલિયન ઘનમીટર છે.
· ભરૂચ જિલ્લાના જીતગઢ ગામ પાસે કરજણ(નર્મદા ત્રિભેટો) નદી પર આવેલ કરજણ ડેમ ૯૦૩ મીટર લાંબો અને ૧૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ડેમનો કેચમેન્ટ એરિયા ૧૪૦૪ ચોરસ કિલોમીટર છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા ૬૩૦ મિલિયન ઘનમીટર છે.
· ભાવનગર જિલ્લાના રાજાસ્થળી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલ શેત્રુંજી ડેમ ૩૮૯૫ મીટર લાંબો અને ૩૨.૦૨ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ડેમનો કેચમેન્ટ એરિયા ૪૩૧૭ ચોરસ કિલોમીટર છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા ૪૧૫.૪૧ મિલિયન ઘનમીટર છે.
· વલસાડ જિલ્લાના મધુબન ગામ પાસે દમણગંગા નદી પર આવેલ મધુબન ડેમ ૨૮૭૦ મીટર લાંબો અને ૫૮.૬૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ડેમનો કેચમેન્ટ એરિયા ૧૮૧૩ ચોરસ કિલોમીટર છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા ૫૬૭ મિલિયન ઘનમીટર છે.