માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી પોતાનો કારોબાર સમેટી લીધો

(એજન્સી)નવી દિલ્હી, દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી પોતાનો કારોબાર સમેટી લીધો છે. માઈક્રોસોફ્ટે ૭ માર્ચ ૨,૦૦૦ના રોજ પાકિસ્તામાં પોતાનો કારોબાર શરૂ કર્યો હતો અને ૩ જુલાઈ ૨૦૨૫ના રોજ તેના સંચાલનને પૂરી રીતે બંધ કરી દીધો છે. એટલે કે, ૨૫ વર્ષોમાં જ કંપનીને પાકિસ્તાનથી મોહભંગ થઈ ગયો છે.
જો કે, આ મહત્વપૂર્ણ નિર્ણય પર માઈક્રોસોફ્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી. કંપનીના પૂર્વ કર્મચારી જાવ્વાદ રહેમાને જાણકારી આપી છે કે, માઈક્રોસોફ્ટે પાકિસ્તાનથી પોતાનો બિઝનેસ સમેટી લીધો છે. રહેમાન ૨૦૦૦થી ૨૦૦૭ સુધી કંપની સાથે જોડાયેલા રહ્યા હતા અને પાકિસ્તાનમાં માઈક્રોસોફ્ટને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, માઈક્રોસોફ્ટે રાજનૈતિક અસ્થિરતા અને આર્થિક અનિશ્ચિતતાને જોતા પાકિસ્તાન છોડવું જ યોગ્ય સમજ્યું. વારંવાર સરકાર બદલવી, સતત બગડતી કાનૂની-વ્યવસ્થા, અસ્થિર મુદ્રા, ઊંચા ટેક્સ રેટ અને જટિલ વેપાર નીતિઓએ બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે પાકિસ્તામાં કામ કરવું મુશ્કેલ બનાવી દીધું છે. માઈક્રોસોફ્ટ પણ આ પડકારોથી બચી નથી શક્્યું.
કંપની માટે તેના ટેકનોલોજી સાધનો અને નફાને પાકિસ્તાન પહોંચાડવાનું મુશ્કેલ બની ગયું હતુ. આર્થિક મોરચા પર પણ પાકિસ્તાન ઘેરાયેલું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં પાકિસ્તાનની નિકાસ લગભગ ૩૮.૯ અબજ ડોલર રહી, જ્યારે આયાત ૬૩.૩ અબજ ડોલર સુધી પહોંચી ગઈ, જેનાથી ૨૪.૪ અબજ ડોલરની વેપાર ખોટ સામે આવી છે.
આ ઉપરાંત, જૂન ૨૦૨૫ સુધી પાકિસ્તાનની કેન્દ્રીય બેંકનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને ૧૧.૫ અબજ ડોલર પર આવી ગયું, જેનાથી કંપનીઓ માટે આવશ્યક હાર્ડવેરનું આયાત કરવું મુશ્કેલ થઈ ગયું છે.