Western Times News

Gujarati News

ભારતમાં 2047 સુધીમાં માથાદીઠ આવક વાર્ષિક ૩૪,૦૦૦ ડોલરથી વધુ થવાની સંભાવના

AMA દ્રારા “MSME અને વિકસિત ભારત@2047” વિષય પર બીજી રાઉન્ડ ટેબલ પરિષદનું આયોજન કરાયું

Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા “એમએસએમઇ અને વિકસિત ભારત@2047” વિષય પર બીજી રાઉન્ડ ટેબલ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિષદનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઇ) ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં એમએસએમઇ ક્ષેત્ર માટે નવીન વિચારો અને વ્યૂહરચનાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે મુખ્ય હિતધારકો એકઠા થયા હતા.

આ ચર્ચાનું આયોજન એએમએ દ્રારા શ્રી શાંતનુ શ્રીવાસ્તવ, એમડી, ઇશાન ઇન્ટરનેશનલ લિ. અને ઇશાન ફાઉન્ડેશન, જાણીતા ઉદ્યોગ સાહસિક, લેખક અને વૈશ્વિક એમએસએમઇ એડવોકેટ; શ્રી સંદીપ સિંહ, અર્થશાસ્ત્રી, લેખક અને ઇન્ટરિમ ચેરપર્સન, બોર્ડ ઓફ ગવર્નર્સ, આઈઆઈએમ કાશીપુરના સહયોગથી કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિ શ્રી વિમલ અંબાણીએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું વિઝન એક મહત્વાકાંક્ષી છતાં પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય છે, જેનો ઉદ્દેશ્ય ગરીબી દૂર કરવાનો અને “સબ કા વિકાસ” (સર્વના વિકાસ) સુનિશ્ચિત કરવાનો છે. આ વિઝનને હાંસલ કરવા માટે “સબ કા સાથ, સબ કા વિશ્વાસ ઔર સબ કા પ્રયાસ” (સર્વના સાથ, સર્વના વિશ્વાસ અને સર્વના પ્રયાસ)નો સામૂહિક પ્રયાસ અનિવાર્ય છે.”

અંદાજો સૂચવે છે કે ભારત ૨૦૪૭ પહેલાં પણ વિકસિત રાષ્ટ્ર બની શકે છે, જેમાં અર્થતંત્ર ૨૦૪૬-૪૭ સુધીમાં ૫૨ ટ્રિલિયન ડોલરથી વધુ અને માથાદીઠ આવક વાર્ષિક ૩૪,૦૦૦ ડોલરથી વધુ થવાની સંભાવના છે, જે માનવ વિકાસ સૂચકાંક, જીવનની ગુણવત્તા, પોષણ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

એમએસએમઇ ક્ષેત્રને આ પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તરીકે ઓળખવામાં આવે છે, જે જીડીપીમાં ૩૨%થી વધુ, નિકાસમાં ૪૫% અને ઔદ્યોગિક ઉત્પાદન અને રોજગારમાં નોંધપાત્ર ફાળો આપે છે. નાગપુરથી શરૂ થતી ભારતભરના વિવિધ શહેરોમાં યોજાનારી ગોળમેજી પરિષદોનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રની વણવપરાયેલી સંભવિતતાને ઉજાગર કરવાનો અને ૧૫% થી વધુ વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરવા અને નિકાસને નોંધપાત્ર રીતે વેગ આપવા માટે સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો છે.

એએમએના પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલાએ જણાવ્યું હતું કે, “આ પહેલના મુખ્ય ઉદ્દેશ્યોમાં સરકારી નીતિઓ સાથે સંપૂર્ણ સંકલન હાંસલ કરવું, એમએસએમઇ દ્રારા સામનો કરવામાં આવતી સૂક્ષ્મ અને સ્થૂળ સમસ્યાઓનું નિરાકરણ લાવવું, અને સ્ટાર્ટઅપ્સની સફળતાનો દર ૧૦%થી લઈ જઈને ૫૦%થી વધુ વધારવાનો સમાવેશ થાય છે.”

ડો. જયમીન વસાએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે એમએસએમઇ ક્ષેત્ર ભારતની ૨૦૪૭ સુધીની યાત્રામાં એક અગ્રણી બની શકે છે, જે જીડીપી વૃધ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે અને દેશને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ લઇ જશે. આ ચર્ચાઓ સરકાર અને અન્ય હિતધારકોને કાર્યવાહી માટે રજૂ કરવામાં આવનાર અંતિમ અહેવાલ તરફ દોરી જશે, જેમાં પ્રગતિની સમીક્ષા કરવા અને અવરોધો દૂર કરવા માટે સતત ફોલો-અપ સત્ર યોજાશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.