વાલીયા તાલુકામાં જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનના વરદહસ્તે પોષણ અભિયાનનો શુભારંભ કરાયો

પીએચસી – ડહેલી અને શ્રી નવચેતન મહિલા કોલેજ વાલીયા ખાતે પોષણ અભિયાનના કાર્યક્રમ યોજાયા.
ભરૂચ: સહિ પોષણ દેશ રોશનને ચરિતાર્થ કરવા તાજેતરમાં દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ની શરૂઆત કરવામાં આવી હતી તે અંતર્ગત આજથી ત્રણ દિવસ માટે સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા પોષણ અભિયાનના કાર્યક્રમ અન્વયે ભરૂચ જિલ્લામાં ૩૪ ગ્રામ્ય અને ૪ નગરપાલિકા વિસ્તાર મળી કુલ ૩૮ જગ્યા પર આ કાર્યક્રમ કરવામાં આવશે જેના ભાગરૂપે આજરોજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. ના વહીવટી સંચાલક અને જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનના અધ્યક્ષપણા હેઠળ વાલીયા તાલુકામાં આવેલ પીએચસી – ડહેલી અને શ્રી નવચેતન મહિલા કોલેજ વાલીયા ખાતે પોષણ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટ્ય થયેલ હતું. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત,અન્નપ્રાસન દિનની ઉજવણી, બાળકો ધ્વારા પોષણ અદાલત, નાટક, ટીએચઆર વિતરણ, વાનગી હરિફાઈ – બાળ તંદુરસ્તી હરીફાઈ,ઈનામ વિતરણ,પાલક માતા-પિતાને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પોષણ વિશે ફિલમનું નિદર્શન પણ થયું હતું.
ડહેલી તથા વાલીયા ખાતે જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા જે જનઆંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમા આપ સૌ ભાગીદાર બનો તેવી અપેક્ષા સેવી હતી. તેમણે દરેક વ્યક્તિ પાલક માતા-પિતા બને અને અઠવાડિયામાં એક વાર તે બાળકની આંગણવાડીકેન્દ્ર પર જઈ તેની તપાસ કરે તથા દરેક બાળકને પોષણયુક્ત આહાર મળી રહે તે જોવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ,પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર વસાવા,આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર કોમલબેન,આગેવાન – પદાધિકારીઓ,અધિકારીગણ,શિક્ષકો,આંગણવાડી બહેનો, લાભાર્થીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.કાર્યક્રમના અંતે મહાનુભાવો સહિત ઉપસ્થિત તમામે તંદુરસ્ત ભારત નિર્માણ માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા.