રિટાયરમેન્ટના ૮ મહિના પછી પણ પૂર્વ જજ ચંદ્રચુડે બંગલો ખાલી ન કર્યો

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના અત્યાર સુધી સરકારી નિવાસસ્થાનમાં રહેવા પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટ પ્રશાસને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખીને ચંદ્રચુડને નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નિયમો અનુસાર, નિવૃત્તિ પછી કોઈ પણ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી સરકારી નિવાસસ્થાનમાં રહી શકતું નથી. ૨ વર્ષ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રહ્યા બાદ ચંદ્રચૂડ ૧૦ નવેમ્બર ૨૦૨૪થી નિવૃત થયા હતા.
આ પદ પર રહેતા તેમણે ચીફ જસ્ટિસના મકાન ૫ કૃષ્ણ મેનન માર્ગ બંગલો મળ્યો હતો. નિવૃત્તિ પછી તેમને નિયમો મુજબ કામચલાઉ નિવાસ તરીકે ટાઇપ ૭ બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તે સુપ્રીમ કોર્ટ પ્રશાસનને વિનંતી કરીને, તેમણે ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ૫ કૃષ્ણ મેનન માર્ગ બંગલામાં રહેવાની પરવાનગી મેળવી.
આ સમયગાળો પૂર્ણ થયા પછી પણ, વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ તેમને ૩૧ મે સુધી નિવાસસ્થાનમાં રહેવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાસન તરફથી લખેલા પત્ર મુજબ રિટાયરમેન્ટના ૮ મહિના બાદ પણ ચંદ્રચૂડે બંગલો ખાલી કર્યો નથી. તેની વિંનતી પર સુપ્રીમ કોર્ટે ૩૧ મે સુધી બંગલામાં રહેવાની પરવાનગી આપી હતી. હવે આ સમય પણ પૂર્ણ થઈ ગયો છે. નવા જજને મકાન આપવામાં સમસ્યા થઈ રહી છે.