ભારતીય નૌસેનાની આ મહિલા પાયલટ હવે ફાઈટર જેટ ઉડાવશે

નવી દિલ્હી, સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બનતા ભારતીય નૌસેનામાં એક નવો ઇતિહાસ રચાયો છે. અત્યાર સુધી મહિલા પાયલટ નૌસેનાના જાસૂસી વિમાન અને હેલિકોપ્ટર ઉડાવતા હતા, પરંતુ આસ્થા હવે ફાઈટર જેટ ઉડાવશે, જે દેશની સુરક્ષામાં તેમની ભૂમિકાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવશે.
ભારતીય નૌસેના X પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં આસ્થા પુનિયાનો ફોટો પણ છે. નૌસેનાએ પોસ્ટમાં લખ્યું છે કે, નૌસેના ઉડ્ડયનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌસેનાએ ૦૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ ભારતીય નૌસેના હવાઈ મથક ખાતે બીજા બેઝિક હોક કન્વર્ઝન કોર્સ પૂર્ણ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું. #Astha_Poonia becomes the Indian Navy’s first woman #fighter pilot.
લેફ્ટનન્ટ અતુલ કુમાર ધુલ અને એસએલટી આસ્થા પુનિયાને રીઅર એડમિરલ જનક બેવલી, એસીએનએસ (એર) તરફથી પ્રતિષ્ઠિત વિંગ્સ ઓફ ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો છે. નૌસેનાએ એક્સ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે આસ્થા પુનિયા નૌસેના ઉડ્ડયનના ફાઇટર સ્ટ્રીમમાં જોડાનાર પ્રથમ મહિલા પાઇલટ બન્યા છે.
આસ્થા પુનિયા કયું ફાઇટર એરક્રાફ્ટ ઉડાવશે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. જો કે, ભારતીય નૌસેના અમુક ખાસ પ્રકારના ફાઈટર એરક્રાફ્ટ છે, જે INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત પરથી ઉડાન ભરી શકે છે.
નૌસેનાનું મિગ-૨૯ ફાઈટર એરક્રાફ્ટ છે. જેને વિશેષ રીતે ડિઝાઈન કરાયું છે. તેની કોમ્બેટ રેન્જ ૭૨૨ કિ.મી. છે અને સામાન્ય રેન્જ ૨૩૪૬ કિ.મી. છે. તે ૪૫૦ કિલોગ્રામના ચાર બોમ્બ, મિસાઈલો અને અન્ય હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.