શેરમાં રોકાણ કરવાની સલાહ આપી તો હવે ફસાશો

પ્રતિકાત્મક
નકલી ફિનફ્લુએન્સર્સની જાળમાં સરળતાથી ફસાવે છે. પછી, નુકસાન થાય ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય છે.
મુંબઈ, શેરમાં રોકાણની અનધિકૃત સલાહ આપનારાઓની દુકાનો હવે બંધ થવા જઈ રહી છે. અનરજિસ્ટર્ડ ઈનવેસ્ટમેન્ટ અને સ્ટોક માર્કેટ એડવર્ટાઈઝર્સની ગતિવિધિઓ પર લગામ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે.
આ માટે સેબી ગૂગલ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે ચર્ચા કરી રહ્યું છે. સેબી આ મુદ્દે ખૂબ જ ગંભીર છે. તેણે અગાઉ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રોકાણની ટિપ્સ (ઈનવેસ્ટમેન્ટ ટિપ્સ) આપનારાઓ સામે અનેક પગલાં લીધાં છે.
આ વિશે મનીકંટ્રોલના એક સવાલના જવાબમાં સેબીએ કહ્યું કે, અમે તે તમામ લોકોના આભારી છીએ જેઓ આ રિસ્ક ઘટાડવામાં અમારો સહયોગ કરી રહ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે વાતચીત ચાલી રહી છે. રેગ્યુલેટરે જણાવ્યું કે, અનરજિસ્ટર્ડ ફિનફ્લુએન્સર્સ દ્વારા આપવામાં આવતી રોકાણની સલાહ પર પ્રતિબંધ લગાવવા માટે અનેક રણનીતિ અપનાવવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની સાથે સહયોગ પણ સામેલ છે.
સૂત્રોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ મામલે સેબીની મદદ કરી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ સમસ્યાને ખતમ કરવા માટે ટૂંક સમયમાં પોતાના તરફથી કેટલાક ઉપાયો લાગુ કરશે. અનરજિસ્ટર્ડ ફિનફ્લુએન્સર્સ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરે છે, જેનાથી નવા રોકાણકારોને તો નુકસાન થાય જ છે, સાથે જ આ પ્લેટફોર્મ્સની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચે છે.
ગૂગલ અને ટેલિગ્રામે આ અંગે પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા નથી. સેબીના તાજેતરના અનેક આદેશોમાંથી જાણવા મળે છે કે છેતરપિંડી કરનારાઓએ રોકાણકારોને ફસાવવા માટે યૂટ્યૂબ, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવા ચેનલોનો વારંવાર ઉપયોગ કર્યો છે.
કોઈ શેરનો પ્રચાર કરવા અથવા તેના વિશે ખોટી વાતો ફેલાવવા માટે યૂટ્યૂબ વીડિયોનો ઉપયોગ થયો છે. એવી કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી, જેના વિશે કોઈ જાણતું નથી અથવા જેમના બિઝનેસ વિશે કંઈ જાણકારી નથી.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અનધિકૃત સલાહ આપનારાઓના જાળમાં મોટાભાગે નવા રોકાણકારો જ ફસાય છે. કોવિડ બાદ શેરબજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે.
ઘણા નવા રોકાણકારો શેરબજારને ઝડપથી પૈસા કમાવવાના માધ્યમ તરીકે જુએ છે. તેઓ નકલી ફિનફ્લુએન્સર્સની જાળમાં સરળતાથી ફસાઈ જાય છે. પછી, નુકસાન થાય ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય છે.