જિનપિંગે સત્તાની વહેંચણી શરૂ કરતાં અટકળો વધી

બેઇજિંગ, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે પોતાની કેટલીક સત્તાઓ સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની કેટલીક મહત્ત્વની સમિતિઓને સોંપવાનું ચાલુ કર્યું હોવાથી દેશમાં સત્તાપરિવર્તનની અટકળો તેજ બની છે. ૧૨ વર્ષથી ચીનમાં એકહથ્થુ સત્તા ધરાવતા જિનપિંગને આજીવન નેતા માનવામાં આવતા હોવાથી તેમની આ હિલચાલનું વિશેષ મહત્ત્વ છે.
જિનપિંગના આ પગલાથી એવી અટકળો શરૂ થઈ છે કે તેઓ સત્તા પરિવર્તન માટેની ભૂમિકા તૈયાર કરીને નિવૃત્ત થઈ રહ્યાં છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના તાજેતરમાં અહેવાલ પછી આવી અટકળોને વધુ વેગ મળ્યો હતો.
એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના પાવરફૂલ ૨૪ સભ્યોના પોલિટિકલ બ્યુરોએ ૩૦ જૂનના રોજ યોજાયેલી તેની બેઠકમાં નવા નિયમોની સમીક્ષા કરી છે.
જિનપિંગની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે સીપીસીની વિવિધ સંસ્થાઓ, જવાબદારી અને કામગીરીના નિયમોમાં ફેરફાર કરવો જોઇએ.
આવી સંસ્થાઓએ મુખ્ય કાર્યાે પર વધુ અસરકારક નેતૃત્વ અને સંકલનનો ઉપયોગ કરવો જોઈએ અને મુખ્ય કાર્યાેના આયોજન, ચર્ચા અને દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.વિદેશમાં રહેતા ચીની અસંતુષ્ટ સમુદાય પણ માને છે કે સીપીસીમાં સત્તા સંઘર્ષ ચાલુ થયો છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી આવી અટકળો થઈ રહી છે.
ચીન સ્થિત એક રાજકીય વિશ્લેષકે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષની વિવિધ સંસ્થાઓ અંગેના નવા નિયમો જિનપિંગની નિવૃત્તિની તૈયારીઓનો સંકેત બની શકે છે. સત્તા પરિવર્તનનો આ સમય છે, તેથી પાર્ટીની વિવિધ સંસ્થાઓનું નિયમન કરવા માટે નિયમો બનાવવામાં આવી શકે છે.
જોકે બીજા કેટલાંક રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સીપીસીના સ્થાપક માઓ ઝેડોંગ પછી જિનપિંગને સૌથી શક્તિશાળી નેતા માનવામાં આવે છે અને તેઓ મોટા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેટલીક સત્તાઓ બીજા નેતાઓને આપી શકે છે. જિનપિંગ માત્ર રોજિંદી કામગીરી પર ઓછી ધ્યાન કેન્દ્રીત કરે તેવું બની શકે છે.SS1MS