Western Times News

Gujarati News

ગ્લોબલ સાઉથ વિના વૈશ્વિક સંસ્થાઓ નેટવર્ક વગરના સીમકાર્ડ જેવી: મોદી

File

રિયો ડી જેનેરિયો (બ્રાઝિલ: દુનિયામાં હાલ ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષ રોકવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માળખામાં વ્યાપક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તેમણે કહ્યું કે, ૨૧મી સદીના નિર્ણયોમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધારવી અત્યંત જરૂરી છે. ગ્લોબલ સાઉથ વિના વૈશ્વિક સંસ્થાઓ નેટવર્ક વિનાના સમીકાર્ડ સમાન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં આયોજિત ૧૭મા બ્રિક્સ સંમેલનને સંબોધન કરતા કહ્યું કે, ૨૦મી સદીમાં બનેલી વૈશ્વિક સંસ્થાઓમાં દુનિયાની બે તૃતિયાંશ વસતીને આજ સુધી યોગ્ય પ્રતિનિધિત્વ મળી શક્યું નથી. જે દેશ આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તેમને નિર્ણય લેવાના ટેબલ પર જગ્યા નથી અપાઈ.

પીએમ મોદીએ આ બાબતને માત્ર પ્રતિનિધિત્વનો સવાલ જ નથી ગણાવી, પરંતુ તેને આ સંસ્થાઓની વિશ્વસનીયતા અને અસરકારક્તા સાથે પણ જોડી છે. પોતાની વાતને સરળતાથી સમજાવતા પીએમ મોદીએ કહ્યું કે, ગ્લોબલ સાઉથ વિના વૈશ્વિક સંસ્થાઓ મોબાઈલ ફોનમાં સિમકાર્ડ તો હોય પરંતુ નેટવર્ક ના હોય તેવી સ્થિતિ સમાન છે.

બ્રિક્સને સંબોધતા વડાપ્રધાન મોદીએ ગ્લોબલ સાઉથને સતત હાંસિયામાં રાખવાની વૈશ્વિક સંસ્થાઓની નીતિ પર પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું, વિકાસની વાત હોય કે સંશાધનોના વિતરણની કે સુરક્ષા સંબંધિત મુદ્દાની, ગ્લોબલ સાઉથના હિતોને પ્રાથમિક્તા અપાઈ નથી.

ક્લાઈમેટ ફાઈનાન્સ, સતત વિકાસ અને ટેન્કોલોજી સુધી પહોંચ જેવા મુદ્દા પર ગ્લોબલ સાઉથને નામ માત્ર સિવાય કશું મળ્યું નથી.બ્રિક્સ બેઠકમાં ભાગ લેવા બ્રાઝિલ પહોંચતા પહેલા પીએમ મોદી આર્જેન્ટિનાના બે દિવસના પ્રવાસે હતા.

વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનામાં પ્રમુખ ઝેવિયર માઈલીનો આભાર માન્યો હતો. માઈલીએ પહલગામ હુમલા વિરુદ્ધ ભારતનું સમર્થન કર્યું હતું.

વિદેશ સચિવ પી. કુમારને કહ્યું કે, પીએમ મોદીના પ્રવાસ પછી ભારત અને આર્જેન્ટિનાના સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. પીએમ મોદી ૫૭ વર્ષ પછી આર્જેન્ટિનાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન હતા.વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રીય હિરો અને સ્વતંત્રતા સેનાની જનરલ હોસે ડી સૈન માર્ટિનને શ્રદ્ધાંજલિ આપી હતી.

દક્ષિણ અમેરિકન દેશો આર્જેન્ટિના, ચીલી અને પેરુને આઝાદી અપાવનારા સેન માર્ટિનને મુક્તિદાતા પણ કહેવાય છે. પીએમ મોદી અને પ્રમુખ માઈલી વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં ખનીજ, વેપાર અને રોકાણ તથા ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી.

આ સાથે તેમણે ડ્રોન ટેન્કોલોજી જેવા નવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા કરી હતી.(પીટીઆઈ) રિયો ડી જાનેરિયોઃ બ્રાઝિલમાં વિકાસશીલ અર્થતંત્રોના બ્રિક્સ સંગઠનની બે દિવસની બેઠકનું આયોજન કરાયું છે. બે દિવસની આ બેઠકમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશો પર લાદેલા ઊંચા વેપાર ટેરિફ, ગાઝામાં માનવીય કટોકટી, ઈરાન પર ઈઝરાયેલના હુમલા જેવા મુદ્દાઓ પર ખૂબ જ સાવધાનીપૂર્વક ચર્ચા થવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.