પશુપાલકોનું શોષણ અટકાવવા માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

પ્રતિકાત્મક
નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળી થકી જ દૂધ સ્વીકારવા તાકીદ-જિલ્લા રજિસ્ટ્રારે બનાસડેરીને પત્ર લખી કરી તાકીદ
ડીસા, કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરી સહકારી માળખાને મજબૂત બનાવવાની સાથે રાજ્યના પશુપાલકોના હિતમાં રાજ્યના સહકાર ખાતાએ એક નિર્ણય કર્યો છે. જે મુજબ બનાસડેરીને બનાસકાંઠા જિલ્લામાં ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો બંધ કરી નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળી થકી જ દૂધ સ્વીકારવાની તાકીદ કરતો પત્ર જિલ્લા રજિસ્ટ્રારે કર્યો છે.
સહકારી ખાતાને દુધ સંઘો દ્વારા પુરી પડાયેલ માહિતી મુજબ પશુપાલકો દ્વારા વેચાણ થતું દૂધ જે-તે ગામની પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળી મારફતે સ્વીકારવાના બદલે દૂધ ખરીદ કેન્દ્રો મારફતે પણ સ્વિકારવામાં આવે છે.
આ ઉપરાંત ઘણા ગામો માં નોંધાયેલ દૂધ મંડળીઓ હોવા છતા સુચિત મંડાળી શરૂ કરી તેના મારફત દૂધ સ્વીકારવામાં આવે છે. અને તેની નોંધણી સમયસર કરવામાં આવતી નથી. ખાનગી કેન્દ્રો અને સુચિત સહકારી મંડળી એ સહકારી કાયદા હેઠળ ઓડીટ પરિપ્રેક્ષ્યની બહાર રહેતા હોવાથી તેમાં ગેરરીતિના અવકાશ રહે છે. તેના કારણે પશુપાલકોનું હિત જોખમાય છે.
ત્યારે બનાસડેરીના કાર્યક્ષેત્રમાં ચાલતા ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો તથા જે ગામમાં સહકારી દૂધ મંડળી નોંધાયેલ છે. તે ગામમાં સુચિત મંડળી પણ તાત્કાલિક અસરથી બંધ કરી નોંધાયેલ મંડળી મારફત જ દૂધ સ્વીકારવા ઉપરાંત છ(૬) માસ ઉપરથી સંઘમાં દૂધ ભરાવે છે.
તેની નોંધણી કરવા અને કોઈ ગ્રામપંચાયતમાં દૂધ મંડળી નોંધાયેલ ન હોય તો ત્યાં નવી દૂધ મંડળીની રચના માટે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા રજિસ્ટ્રાર(સહકારી મંડળીઓ)એ બનાસડેરીને પત્ર લખી તાકીદ કરી છે. આ ઉપરાંત બનાસડેરી દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો અહેવાલ પણ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને કરવાની તાકીદ કરાઈ છે.
આમ, પશુપાલકોને દૂધના પોષણ ક્ષમ ભાવો મળી રહે અને તેઓનું ખાનગી દૂધ કેન્દ્રો દ્વારા શોષણ ન થાય તે માટે નોંધાયેલી દૂધ મંડળી મારફતે તેવું દૂધ સ્વીકારવા વ્યવસ્થા કરવી. હાલમાં જે ખાનગી દૂધ કેન્દ્રો મારફતે જે પશુપાલકોનું દૂધ સ્વીકારવામાં આવે છે.
તેવા દુધ ઉત્પાદકોને કોઇ અગવડતા ન પડે તે માટે ગામની અથવા નજીકની નોંધાયેલ દૂધ મંડળી મારફતે પશુપાલકોનું દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે.
બનાસડેરીને કરાયેલ સૂચનો:-
(૧) જિલ્લામાં ચાલતા તમામ ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો જે સંઘને દૂધ પુરૂ પાડે છે તે તાત્કાલિક અસરથી બંધ કરવા.
(૨) જે ગામમાં નોંધાયેલ મંડળી છે. આમ, છતાં સુચિત મંડળી ચલાવવામાં આવે છે. તેવી સુચિત મંડળીઓ પણ બંધ કરવી.
(૩) બનાસકાંઠા જિલ્લાની જે ગ્રામપંચાયતો દૂધ મંડળીથી વંચિત છે. ત્યાં સુચિત મંડળી ચાલુ કરી સમયસર નોંધણી અંગેની કાર્યવાહી કરવી.
(૪) સદરહું કામગીરીમાં પશુપાલકોને કોઇ તકલીફ ના પડે તે માટે જે તે ગામની નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવામાં આવે તેવી પુરતી વ્યવસ્થા કરવી.