ઠક્કરનગર, સરસપુર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર ઝોનના ઠક્કરનગર, ઈન્ડિયા કોલોની બાપુનગર, સરસપુર સહિતના વોર્ડમાં વરસાદી પાણી ભરાવવાની તેમજ ડ્રેનેજ બેકીંગની સમસ્યાના ઉકેલ માટે હયાત સ્ટ્રોમ વોટર લાઈન અને ડ્રેનેજ લાઈનને સીસીટીવીથી ડિસીલ્ટીંગ કરવામાં આવશે આ ઉપરાંત સરસપુર રખિયાલ વોર્ડમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવામાં આવશે. આ બંને કામ માટે અંદાજે રૂ.૮.પ૦ કરોડનો ખર્ચ થશે.
મ્યુનિ. વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગડિયાના જણાવ્યા મુજબ ઉત્તરઝોનના ઠકકરનગર, ઇન્ડિયાકોલોની, બાપુનગર અને સરસપુર-રખિયાલ વિસ્તારમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈનો છે.આ વિસ્તાર ગીચ રહેણાંક મકાન તથા વેપાર વાણિજ્ય સાથે મિશ્ર વિસ્તાર છે.
ગીચતાના કારણે તથા વપરાશને ધ્યાને રાખી હયાત નેટવર્ક બદલવા માટે સાંકડા રસ્તાઓમાં કામ કરવામાં અગવડ પડે તેમ હોવાથી તેના વિકલ્પ રૂપે હયાત લાઈનો જો સમયાંતરે સાફ રાખવામાં આવે તો વિસ્તારનાં લોકોનાં આરોગ્ય જળવાઈ રહે તથા ગટર ચોકઅપની વારંવાર આવતી ફરીયાદોનાં નિરાકરણ પણ થઈ શકે છે.
તેથી આ લાઈનોના ડીશીલ્ટીંગની કામગીરી કરાવી સી.સી.ટી.વી. પધ્ધતિથી ચેક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેના કારણે આ વિસ્તારમાં ગટર ઉભરાવવાના પ્રશ્નો ઓછા થશે તથા પીવાના પાણીમાં ગટરનાં પાણી ભળી જવાના આવતા પ્રશ્નો પણ સમયાંતરે ઓછા થઈ શકે છે.
ઉત્તરઝોનના સરસપુર-રખિયાલ વોર્ડમાં આશરે ૫૦ વર્ષ જુની ડ્રેનેજ લાઈનો છે. તેમજ ગીચ રહેણાંક મકાન તથા વેપાર વાણિજ્ય સાથે મિશ્ર વિસ્તાર છે.ગીચતાના કારણે તથા લાંબા સમયની વપરાશના લીધે હયાત નેટવર્કમાં ચોક-અપ તથા બ્રેકડાઉનની સમસ્યા ઉભી થાય છે. આ વિસ્તારમાં સાંકડા રસ્તાઓમાં કામ કરવામાં અગવડતા પડતી હોઇ તેના વિકલ્પ રૂપે હયાત લાઈનો જો બદલવામાં આવે તો વિસ્તારનાં બ્રેકડાઉનની ફરીયાદો તથા ગટર ચોકઅપની વારંવાર આવતી ફરીયાદોનાં નિરાકરણ થશે.
તેમજ સરસપુર-રખિયાલ વોર્ડમાં અંબર સિનેમા રોડ પરની સોસાયટીઓ જેવી કે સૌરાષ્ટ્ર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, ગુરૂરામદાસ, ગવર્મેન્ટ એ-કોલોની, તપોવન સોસાયટી વિભાગ-૧,૨, આધુનિક પાર્ક વગેરે વિસ્તારમાં ગટર ઉભરાવવાના પ્રશ્નો ઓછા થશે તથા પીવાના પાણીમાં ગટરનાં પાણી ભળી જવાના આવતા પ્રશ્નો પણ સમયાંતરે ઓછા થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતુ.