સાબરકાંઠા જીલ્લામાં સેલ્ફી લેવા જતા બે યુવાનોના મોત

પ્રતિકાત્મક
(એજન્સી)સાબરકાંઠા, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેના કારણે રાજ્યની નદીઓ, ડેમ, તળાવોમાં નવા નીરની આવક થઈ છે. જેથી લોકો મોટા પ્રમાણમાં કુદરતી સૌંદર્ય માણવા માટે ફરવા માટે જઈ રહ્યા છે. ફરવામાં કુદરતી સૌંદર્ય માણવાની સાથે સેલ્ફી લેવી અને રીલ બનાવીને સોશિયલ મીડિયામાં મુકવાની મજા સજામાં પરિણમી છે.
સાબરકાંઠા જિલ્લામાં સેલ્ફી લેવા જતા બે યુવાનોના મોત નીપજ્યાં છે. સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા નદીના પ્રવાહમાં ગરકાવ થયો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં વિજયનગરના કણાદર નજીક ધોધ પર સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસતા મોત નીપજ્યું છે. ઉપરવાસથી વરસાદને કારણે સપ્તેશ્વર સાબરમતી નદી અત્યારે બે કોઠે વહી રહી છે. વારંવાર સાવચેત કરવા છતાં અથવા નદી કિનારે ન જવું તેમ છતાં પ્રવાસીઓ ફોટા પાડવા માટે નદી કિનારે જતા હોય છે. જ્યાં થોડું સંતુલન ગુમાવતા જાન ગુમાવવાનો વારો આવે છે.
રવિવારે સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા યુવાનનો પગ લપસ્યો હતો. જેમાં ૩૦ વર્ષીય યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાન મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામનો હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર, ઈડર, વિજાપુરની ફાયર ટીમ એસડીઆરએફ સહિત ૪૦ ફાયરમેન રવિવારથી આ યુવાનની શોધખોળ કરી રહ્યા હતા.
૧૨ કલાકથી વધુની શોધખોળ બાદ મહેસાણાના કટોસણના નિલેષ પરમાર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. બીજી તરફ વિજયનગરના કણાદર નજીક ધોધ પર સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.